November 5, 2024

સ્માર્ટ મીટરની સાથે જૂના મીટરની સરખામણી કરતા જ લોકોની ગેરસમજ દૂર

સંજય વાઘેલા, જામનગર: જામનગર શહેરમાં વિજ તંત્રના સ્માર્ટ મીટર મૂકવા બાબતે અસમંજસ ચાલતું હોવાથી જામનગર પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા લીમડાલેન વિસ્તારમાં જુદા-જુદા બે ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ મૂકીને વિજ વપરાશ યુનિટની સરખામણી કરવામાં આવી હતી. બંનેના યુનિટ એક સરખા નોંધાયા છે. આ જ પ્રકારની વ્યવસ્થા જામનગર શહેરમાં અલગ-અલગ પંદર જેટલા વીજ ગ્રાહકોને ત્યાં ગોઠવવામાં આવી છે. નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લગાવીને વિજ વપરાશના યુનિટની સરખામણી કરવામાં આવી રહી છે. અન્ય કોઈ ગ્રાહકો આ સુવિધા ચાલુ રાખવા માંગતા હોય તો તે અંગેની પ્રક્રિયા પણ થઈ રહી છે.

જામનગરમાં લીમડા લાઈનમાં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે. તેવી પીજીવીસીએલને રજૂઆત મળતા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો હતો. જેમાં માર્ટ મીટરની સાથે અગાઉની જેમ જ ડિજિટલ મીટર પણ કમ્પેર કરવા માટે લગાડવામાં આવેલ હતું. ઇજનેર અજય પરમારને આ બંને મીટરના કંમ્પર કરીને મેળવેલ ડેટા અંગે પુછતાં તેમના દ્વારા વિગત જાહેર કરવામાં આવેલી છે. આ વિગત મુજબ સ્માર્ટ મીટર તથા ડિજિટલ મીટર બંનેના વીજ નોંધણીમાં કોઈ જાતનો ફરક આવેલો નથી. તેમજ જે જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાડવામાં આવેલું છે, તેના ડેટા પણ ગ્રાહકને દર્શાવવામાં આવેલા હતા, અને તેઓ પણ આ વાતથી સહમત થયાં હતા.

આ પણ વાંચો: પાલનપુર કોટ વિસ્તારમાં રોગચાળો વકર્યો, સ્થાનિકોના મતે 4 લોકોના મોત!

સેન્ટ્રલ પેટા વિભાગ દ્વારા આ રીતે કમ્પેર કરવા માટે આશરે 15 જેટલા ગ્રાહકોના વિજ જોડાણમાં બીજું ડિજિટલ મીટર મૂકીને લોકોની ગેરસમજને દૂર કરવા પ્રયત્નો કરેલા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી ગેરસમજના કારણે લોકોમાં વિરોધ વ્યાપક બન્યો છે. અગાઉ સ્માર્ટ મીટર લાગ્યા પહેલાંનું જ કોઈ લેણું બાકી રકમ હતી તેનું દરરોજના હિસ્સામાં ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવતું અને જેના કારણે દરરોજ નિયત સમયે આ રકમ બેલેન્સમાંથી કપાત કરવામાં આવતી હતી. જેના કારણે ગ્રાહકોમાં આ સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે. તેવી ગેરસમજ ઉભી થયેલી છે. જે બાબતે વડી કચેરીઓ દ્વારા આ રકમ ભરપાઈ કરવા માટે અલગથી વિકલ્પ આપવામાં આવશે, તેવું વિચારણા હેઠળ છે.

સ્માર્ટ મીટરમાં અગાઉથી રિચાર્જ કર્યા બાદ વીજ વપરાશ ચાલુ થશે, તેવી જોગવાઈ હતી એ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવેલા છે. પહેલાની જેમ જ માસિક બિલ પદ્ધતિથી ગ્રાહક પોતાનો વપરાશ મુજબનું બિલ રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર તથા મોબાઈલ એપ્લીકેશન મારફતે મેળવી પહેલાની જેમ જ બિલની નિયત અવધિમાં ભરપાઈ કરી શકે છે. એડવાન્સમાં રિચાર્જ કરવાની જરૂરિયાત ફરજિયાત રહેશે.