January 22, 2025

અમેરિકામાં ભારે હિમવર્ષાથી વધી મુશ્કેલીઓ… 2100થી વધારે ફ્લાઈટ્સ કરી રદ

America: તાજેતરમાં અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ભીષણ આગ લાગી હતી. બીજી બાજુ દક્ષિણ અમેરિકામાં ભારે ઠંડી છે. અમેરિકાનો દક્ષિણ ભાગ થીજી ગયો છે. અત્યાર સુધી ભારે હિમવર્ષાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ અમેરિકામાં ભારે હિમવર્ષાને કારણે અત્યાર સુધીમાં 2100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ટેક્સાસ, લુઇસિયાના, મિસિસિપી, અલાબામા, જ્યોર્જિયા, મિલવૌકી, દક્ષિણ કેરોલિના અને ફ્લોરિડા રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ રાજ્યો થીજી ગયા છે. આ વિસ્તારોમાં 10 ઇંચથી વધુ બરફ પડ્યો છે.

રસ્તાઓ બ્લોક, ફ્લાઇટ્સ રદ
ઘણા રાજ્યોમાં શૂન્ય ડિગ્રીને કારણે રસ્તાઓ જામ થઈ ગયા છે, ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ટેક્સાસ, જ્યોર્જિયા અને મિલવૌકીમાં અત્યાર સુધીમાં તીવ્ર ઠંડીને કારણે 4 લોકોના મોત નોંધાયા છે મળતી માહિતી અનુસાર મંગળવાર બપોરથી હ્યુસ્ટન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને તલાહસી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હ્યુસ્ટનનું જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ અને વિલિયમ પી. હોબી એરપોર્ટ બુધવારે ફરી ખુલે તેવી અપેક્ષા છે.

ન્યુ ઓર્લિયન્સ, લુઇસિયાનાની આસપાસ પણ બરફના તોફાન જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંના રહેવાસીઓ 1963 પછીનો સૌથી ભારે હિમવર્ષાનો અનુભવ કરી રહ્યા છે. ભારે હિમવર્ષાને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: પાસપોર્ટ કઢાવવા મામલે મહેસાણાવાસીઓ અગ્રેસર, એક વર્ષમાં 43 ટકા વધ્યા

મંગળવારે લ્યુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને એક એડવાઝરી જાહેર કરી છે.. તેમણે કહ્યું કે, આગામી સાત દિવસમાં ઠંડી ખતરનાક રીતે વધવાની છે. રસ્તાઓ સાફ દેખાવા લાગે છે, છતાં તમારે હજુ વધુ મુસાફરી ન કરવી જોઈએ. જ્યોર્જિયાના સવાનાહના મેયરે જણાવ્યું હતું કે ભલે આ વિસ્તાર તોફાનનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ બરફ પડકારો ઉભા કરી શકે છે.