October 4, 2024

પાટણ APMCમાં કપાસની ખરીદી શરૂ, બીજા દિવસે ભાવ નીચા રહેતા ખેડૂતોમાં નારાજગી

ભાવેશ ભોજક, પાટણઃ એપીએમસી માર્કેટ ખાતે નવરાત્રીના પ્રથમ દિવસથી બીટી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો કપાસનો મોલ લઈને એપીએમસીમાં વેચાણ માટે આવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ઊંચા ભાવ જોવા મળ્યા હતા. જ્યારે બીજા દિવસે નીચા ભાવ રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. બે દિવસમાં 8000 મણ કપાસની આવક થવા પામી છે.

નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે પાટણ એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતોએ કપાસનો માલ વેચવાના શ્રીગણેશ કરી દીધા છે. જો કે, પ્રથમ દિવસ બાદ બીજા દિવસે કપાસના ભાવમાં વિસંગતતા સર્જાઈ હતી. પ્રથમ દિવસે ખેડૂતોને જે ભાવ મળ્યા હતા, તેનાથી અડધા ભાવે ખેડૂતોને કપાસનો માલ વેચવાની ફરજ પડી હતી.

ગઈકાલે 1300થી 2100 રૂપિયા સુધીના કપાસના ભાવ રહ્યા હતા. જેને લઇ આજે બીજા દિવસે કપાસના સારા ભાવ મળશે. તેવું માની ખેડૂતો પાટણ એપીએમસી ખાતે માલ વેચવા દોડી આવ્યા હતા. જો કે, આજે રૂપિયા 1200થી 1400 રૂપિયા ભાવ રહેતા ખેડૂતોમાં નિરાશા સાંપડી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે પાછોતરા પડેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી અને ખેડૂતોના ઊભા પાકને બરબાદ કરી દીધો હતો. જેને લઇ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેવામાં હવે પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો હતો અને સરકાર ટેકાનો ભાવ આપે તેવી માગ કરી હતી.