60 દિવસમાં થશે 48 લાખ લગ્ન, થશે 6 લાખ કરોડનો બિઝનેસ: આ વર્ષે લગ્નના 18 શુભ મુહૂર્ત
CAIT Report: દિવાળીના તહેવારોની સિઝનથી દેશની અર્થવ્યવસ્થાને ખાસ્સો વેગ મળ્યો છે. દીપોત્સવ દરમિયાન અંદાજે રૂ. 4.25 લાખ કરોડના સામાનની ખરીદી કરવામાં આવી છે. હવે કારોબારીઓની નજર લગ્નની સિઝન પર ટકેલી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હીની ચાંદની ચોક બેઠકથી ભાજપના લોકસભા સાંસદ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર, આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગભગ 48 લાખ લગ્નો થશે. તેના કારણે દેશમાં રૂ. 6 લાખ કરોડનો વેપાર થવાની ધારણા છે. એક અંદાજ મુજબ 4.5 લાખ લગ્ન એકલા દિલ્હીમાં જ થશે. લગ્ન સમારોહથી રાષ્ટ્રીય રાજધાનીમાં 1.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની અપેક્ષા છે. આ વર્ષે લગ્ન માટે 18 શુભ મુહૂર્ત છે.
CAIT દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, શાક્યોની સિઝન દેવઉઠી એકાદશી 12 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને 16 ડિસેમ્બર સુધી ચાલશે. અંદાજે 48 લાખ લગ્નો થવાની ધારણા છે. રિટેલ સેક્ટર, જેમાં માલસામાન અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે, તેનું ટર્નઓવર આશરે રૂ. 6 લાખ કરોડની થવાની ધારણા છે. ગયા વર્ષે આ સિઝનમાં 35 લાખ લગ્નોમાંથી કુલ 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. આ વર્ષે લગ્નના શુભ મુહૂર્તની તારીખોમાં વધારો થવાને કારણે વેપારમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. વર્ષ 2023માં 11 શુભ મુહૂર્ત હતા, જ્યારે આ વર્ષે 18 મુહૂર્ત છે જે બિઝનેસને વધુ વેગ આપે તેવી શક્યતા છે. એકલા દિલ્હીમાં અંદાજિત 4.5 લાખ લગ્નોથી આ સિઝનમાં રૂ. 1.5 લાખ કરોડનો બિઝનેસ થવાની ધારણા છે.