January 23, 2025

CCTVથી જોવામાં આવશે મહિલાઓના હિજાબ… ઈરાનમાં નવો કાયદો લાગૂ

Iran: ઈરાનની સંસદમાં હિજાબને લગતો કડક કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જે મહિલાઓ યોગ્ય રીતે હિજાબ નથી પહેરતી અથવા હિજાબનો વિરોધ કરે છે તેમને સખત સજા આપવામાં આવશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ઘણી વખત આવા પ્રતિબંધોની ટીકા કરી હોવા છતાં ધારાશાસ્ત્રીઓએ આ કાયદો પસાર કર્યો છે.

ઈરાનની સંસદે ‘હિજાબ અને શુદ્ધતા’ બિલ પસાર કર્યું છે, જે અંતર્ગત ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે અને આવું ન કરવા પર આકરી સજાની જોગવાઈ છે. ઈરાનમાં હિજાબ સામે મહિલાઓના વધી રહેલા વિરોધને જોતા ઈરાની ન્યાયતંત્રે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની સૂચના બાદ ‘હિજાબ અને પવિત્રતા’ બિલનો મુસદ્દો તૈયાર કર્યો હતો.

ઈરાનમાં હિજાબનો વિરોધ વધી રહ્યો છે
ઈરાનમાં મહિલાઓએ 1979માં ઈસ્લામિક ક્રાંતિ બાદથી જાહેરમાં માથું ઢાંકવું જરૂરી છે, જોકે 2022માં ઈરાની-કુર્દિશ મહિલા મહસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા બાદ હિજાબ ન પહેરતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે.

22 વર્ષની મહસા અમીનીને ઈરાનની મોરાલિટી પોલીસે દેશના ડ્રેસ કોડનું પાલન ન કરવા બદલ ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે પોલીસે મહસા અમીનીને નિર્દયતાથી મારી હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. મહસા અમીનીના મોત બાદ દેશભરમાં ભારે વિરોધ શરૂ થયો હતો. મહિલાઓ અને શાળાની છોકરીઓએ હિજાબ વિરોધી ચળવળો શરૂ કરી અને રાજકીય પરિવર્તનની માંગણી કરી. તેણે ઈરાનમાં ‘મહિલા, જીવન, સ્વતંત્રતા’ ચળવળને પણ પ્રેરણા આપી જેણે દેશમાં સત્તાવાળાઓ દ્વારા હિજાબને ફરજિયાત બનાવવાને પડકાર ફેંક્યો.

આ પણ વાંચો: બાબા સિદ્દીકી હત્યા કેસમાં થશે ખુલાસા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળ્યા મહત્વના પુરાવા

હિજાબ સંબંધિત નવો કાયદો શું કહે છે?
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર આ કાયદો જાહેર સ્થળોએ અને સોશિયલ મીડિયા પર યોગ્ય રીતે હિજાબ ન પહેરતી અથવા હિજાબનો સંપૂર્ણ ત્યાગ કરતી મહિલાઓ પર 20 મહિનાના પગાર સમાન દંડ લાદવાની મંજૂરી આપે છે. આ દંડ 10 દિવસની અંદર ચુકવવો આવશ્યક છે અને તેમાં નિષ્ફળ જવાથી મહિલાને પાસપોર્ટ રિન્યુ કરાવવા અથવા જારી કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ અને એક્ઝિટ પરમિટ જેવી વિવિધ સરકારી સેવાઓથી વંચિત કરવામાં આવશે.