November 27, 2024

શું બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે? યુનુસ સરકારે કોર્ટને કહ્યું- ‘તે કટ્ટરવાદી સંગઠન છે’

Bangladesh: બાંગ્લાદેશમાં ઈસ્કોન નેતા અને હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો મામલો જોર પકડી રહ્યો છે. બુધવારે એક વકીલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. વકીલે કોર્ટ સમક્ષ મંગળવારની હિંસામાં માર્યા ગયેલા સરકારી વકીલ સૈફુલ ઈસ્લામના મૃત્યુ અને ચિન્મય દાસના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણનો પણ ઉલ્લેખ કર્યો છે.

બાંગ્લાદેશ: ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ
તેમની અરજીમાં વકીલે અખબારના લેખો પણ રજૂ કર્યા છે જેમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી હંગામો અને હિંસાના અહેવાલો છે. હાઈકોર્ટમાં જસ્ટિસ ફરાહ મહેબૂબની બેંચ સમક્ષ ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે. આ સિવાય ઇસ્કોન વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીનો નિર્ણય લેતા પહેલા કોર્ટે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પાસેથી ગુરુવાર સુધીમાં માહિતી માંગી છે કે તેઓએ આ મામલે શું પગલાં લીધાં છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે બર્બરતા, કોંગ્રેસે કહ્યું – ભારત સરકારે કડક પગલાં લેવા જોઈએ

એટર્ની જનરલે કહ્યું છે કે ઈસ્કોન મુદ્દે કોર્ટે અત્યારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ કારણ કે સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એજી અસદુઝમાને કહ્યું કે ઈસ્કોન કોઈ રાજકીય પક્ષ નથી, તે ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે અને વચગાળાની સરકારે તેની તપાસ શરૂ કરી છે. હાઈકોર્ટે એટર્ની જનરલને ઈસ્કોન કેસમાં સરકારની કાર્યવાહી અને દેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગુરુવારે સવાર સુધીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે વચગાળાની સરકારને કાયદો અને વ્યવસ્થાને બગડતી અટકાવવા પણ કહ્યું છે.