April 30, 2024

અરવલ્લીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર

સંકેત પટેલ મોડાસા: અરવલ્લી જિલ્લામાં જીવાદોરી સમાન મુખ્યત્વે માઝુમ , મેશ્વો , વાત્રક ,વૈડી અને લાંક એમ છ જળાશયો આવેલા છે. ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યો છે. તેવામાં આ જળાશયોમાં સતત પાણીના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યો છે.

ચિંતા વધી
ખાસ કરીને જિલ્લાના માઝુમ , મેશ્વો અને વાત્રક જળાશયો માંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી પાંચ થી છ વખત પાણી પિયત આપવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીને લઇ ચિંતા વધી છે.

આ પણ વાંચો: નર્મદાની મેઇન કેનાલમાંથી 21 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું

માંગ ખેડૂતો કરી રહ્યા
ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના મોડાસાના માજમ જળાશયમાં 26 ટકા , શામળાજી મેશ્વો જળાશયમાં 25 ટકા , બાયડ વાત્રક જળાશયમાં 39 ટકા પાણીનો જથ્થો છે તેવા સંજોગોમાં આવનારો ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે જોકે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહિં સર્જાય પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પિયત પાણી નહિ મળવાના કારણે ખેડૂતો માટે સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

પાણીની અછત
હજુ તો ઉનાળો શરૂ થયો નથી તે પહેલા પામીની અછત પડી રહી છે. તો ભર ઉનાળે કેવી સ્થિતિ થશે તે પણ હવે એક સવાલ છે. હાલ અરવલ્લીના જળાશયોમાં 25 થી 30 ટકા પાણી જ પાણી જોવા મળી રહી છે. ખેડૂતોને ચિંતા થઈ રહી છે કે તેવો ઉનાળું પાક કેવી રીતે પકાવશે, કારણ કે ખેડૂતોનું આખું વર્ષ પાક ઉપર હોય છે. જો એ જ ખરાબ થઈ જાય તો ખેડૂતોને હેરાન થવાનું રહેશે.