May 1, 2024

જામનગરમાં પાણીની અછતના એંધાણ, જિલ્લામાં માત્ર જુલાઈ સુધીનો જથ્થો

સંજય વાઘેલા, જામનગર: શિયાળા બાદ હવે ઉનાળાના પગરવ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના જળાશયોમાં હવે માત્ર 40 થી 50 ટકા જેટલો જળસંગ્રહ હોય તેવું જોવા મળી રહ્યું છે. આવી જ સ્થિતિ હાલારના બંને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ જોવા મળી રહ્યું છે. વાત કરીએ જામનગરની તો જામનગરમાં કુલ 25 નાના મોટા જળાશયો આવેલા છે. જેમાં આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલું જ પાણીનો જથ્થો છે. તો 10 થી મોટા નાના એવા ડેમો છે જેના તળિયા દેખાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જામનગર શહેરની જનતાને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં પણ જુલાઈ માસ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે.

જામનગરમાં ટોટલ 25 જેટલા ડેમો આવેલા છે. જેમાં ઊંટ બે, આજી 4, સાસોઈ ડેમ, ફુલઝર, વેણુ, રણજિતસાગર, રૂપારેલ સહિતના ડેમોનો સમાવેશ થાય છે. જામનગર સિંચાઈ વિભાગની કચેરીમાં જણાવ્યા પ્રમાણે એપ્રિલથી લઈને જુલાઈ માસ સુધી ચાલે તેટલું જ પાણીનો સંગ્રહ જળાશયોમાં ઉપલબ્ધ છે. ઊંડ 1 માં 54.99 ટકા, સાસોઈ 46.43 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રૂપાવટી અને ફોફળ 2 ડેમમાં તો તળિયું દેખાવા લાગ્યું છે. આ સિવાયના જળાશયોમાં અંદાજે સરેરાશ 40 થી 50% જેટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જામનગરના લોકોની જીવાદોરી સમાન રણજિતસાગર ડેમમાં હાલ 22 ફુટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આટલું પાણી જુલાઈ માસ સુધી ચાલે તેટલું છે.

આ પણ વાંચો: રામલલાને થયેલ સૂર્ય તિલકની અદ્ભુત ક્ષણ પીએમ મોદીએ LIVE જોઈ

ગત વર્ષે ભાદરવા મહિનામાં વરસાદ પડ્યો ન હતો જેના કારણે બોરમાં પાણી ખૂટવા લાગ્યું છે. જામનગર શહેર વાસીઓની વાત કરીએ તો જામનગરની જનતાને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતા એકમાત્ર રણજીતસાગર ડેમમાં જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રણજીત સાગર ડેમ સૌની યોજના અંતર્ગત આવતો હોવાથી જરૂર પડે તેમાં પાણી ઠલવાશે. જામનગરના સતાધીશોનું કહેવું છે કે જામનગરની જનતાએ ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે

જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં માત્ર જુલાઈ મહિના સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જામનગરના સિંચાઈ અધિકારીઓનું કહેવું છે કે જામનગરના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ચોમાસુ જો લંબાશે અને મોડુ શરૂ થશે તો લોકોએ પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.