May 2, 2024

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : 2 વર્ષનું બાળક રમતાં-રમતાં પાણીના ટાંકામાં પડી જતાં નિપજ્યું મોત

પ્રીતેશ પ્રજાપતિ, પંચમહાલ: નાના બાળક પરથી ક્ષણવાર માટે પણ નજર હટે તો માતા-પિતાએ બાળક ખોઈ બેસવાની પણ નોબત આવી શકે છે. આવો જ એક કરુણ કિસ્સો તાજેતરમાં કાલોલમાં બન્યો છે. કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં બે વર્ષના બાળકનું તેના જ જન્મ દિવસે મોતથી અરેરાટી વ્પાપી છે.બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી સાથે વલોપાત સર્જાયો છે. વેજલપુર ગામમાં કાકણ ફળીયામાં રહેતા માતા પિતા પોતાના એકના એક દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સાહી હતા.

પોતાના દીકરાની ઉજવણી ધામધૂમથી થાય તે માટે દરેક પ્રકારની તૈયારી પણ કરી દીધી હતી, જેમાં જન્મ દિવસ કેક કાપવા માટે પોતાના સગા સંબંધીઓને આમંત્રણ પણ આપી દીધું હતું, પરંતુ પોતાના માતા પિતાને ખબર ન હતી કે પોતાના લાડકવાયા દીકરાનો જન્મદિવસ આખરી જન્મ દિવસ બની જશે.

એકના એક માસૂમ બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
વેજલપુર ગામમાં રહેતા દિલીપભાઈ ભરવાડ પોતાના બે વર્ષના દિકરા સિધ્ધાર્થના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારી કરતા હતા. તે સમયે ઘરમા બનાવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં સિધ્ધાર્થના પડી જવાથી કરુણ મોત થયું હતું. પરિવાર જન્મદિવસની ઉજવણી થાય તે પહેલા શોકમાં ફેરવાઈ ગયો હતો. આ મામલે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકના એક દિકરાની મોતના પગલે પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો છે. દિલીપભાઈ દીકરા સિધ્ધાર્થનો જન્મ 31/3/22ના રોજ થયો હતો. સિધ્ધાર્થને બે વર્ષ પુર્ણ થયા હોવાથી પરિવારજનો તેનો જન્મદિવસની ઉજવણીની તૈયારીમાં હતા. આ દરમિયાનમાં ઘરમા એક પાણીની સાડા પાંચ ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાકી આવેલી હતી. ટાંકી પર લાકડાના પાટીયા મુકેલા હતા. તેવામા સિધ્ધાર્થ રમતો રમતો ત્યા પહોચી જતા તે ટાંકીમા પડી ગયો હતો. દિલીપભાઇ સિધ્ધાર્થ ઘરમાં જોવા ન મળતાં તેની શોધખોળ કરવામા આવતા આખરે સિધ્ધાર્થ મૃત અવસ્થામા પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.

મૃતક બાળકના પિતાએ જણાવ્યું કે, તારીખ 31/3/24ના રોજ એકના એક દીકરા સિદ્ધાર્થની બર્થ ડે મનાવવા માટે ખૂબ જ ઉત્સાહી હતા અને જ્યારે તેઓ કડિયા કામ કરીને પરત પોતાના ઘરે આવ્યા ત્યારે તેમનો દીકરો દરવાજા પાસે ઊભો હતો એટલે મેં મારા દીકરાને ઉંચકી લીધો હતો ત્યારબાદ તેઓ પોતાના દીકરાને ઘરમાં લઈ ગયા હતા જન્મદિવસની ઉજવણી કરવાની હતી એટલા માટે તેઓ કેકનો ઓર્ડર આપવા માટે જઈ રહ્યા હતા અને કેકનો ઓર્ડર પણ આપી દીધો હતો. એટલામાં રસ્તામાં મારા બેન બનેવી મને મળ્યા એટલે મેં તેમને કહ્યું કે તમે ઘરે જાવ હું આવું છું ત્યારબાદ મનમાં થયું કે ચાલો બેન બનેવી આવ્યા છે એટલે તેઓને ચા નાસ્તો અને જમી કરીને ઘરે મોકલીએ એટલે હું ઘરે આવ્યો ત્યારે મારા પપ્પા અને મારા મમ્મી મારા દીકરાના કપડા લેવા માટે બજાર લઈ જવાના હતા એટલે તેને તે શોધી રહ્યા હતા પરંતુ તે ઘરે ન દેખાતા તો મેં આજુબાજુમાં તેની શોધ ખોળ કરતા મારું બાળક ઘરની અંદર અંડર ગ્રાઉન્ડ જે ટાંકી સિદ્ધાર્થ મૂર્ત અવસ્થામાં પાણીની ટાંકીમાં તરતો હતો. તેથી મેં તાત્કાલિક તેને ટાંકીમાંથી કાઢીને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.