September 21, 2024

વાયનાડમાં સેનાની બચાવ કામગીરી જોઈ 3 વર્ષના બાળકનો પત્ર – ડિયર ઈન્ડિયન આર્મી…

Wayanad: કેરળના વાયનાડમાં થયેલી ભયાનક દુર્ઘટના બાદ ભારતીય સેનાના જવાનો રાત-દિવસ બચાવ કાર્યમાં લાગેલા છે. સેનાએ બચાવ અભિયાનની કમાન સંભાળી લીધી છે. સેનાના રાહત કાર્યને કારણે ત્રણ વર્ષનો એક બાળક ખૂબ જ પ્રભાવિત થયો છે.

ભલ ભલા થઈ જાય ભાવનાત્મક
કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. આ કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ સાથે સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સેનાની ત્રણ પાંખ ફસાયેલા લોકોને બચાવવા માટે કામે લાગી છે. જો કે રેસ્ક્યુ ટીમને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ વચ્ચે એક એવો પત્ર સામે આવ્યો છે કે જે વાંચીને ભલ ભલા માણસ ભાવનાત્મક થઈ જાય. આ પત્ર ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ લખ્યો છે. સેનાના તમામ પ્રયાસો જોઈને તેણે ઈચ્છા વ્યક્ત કરી કે તે મોટો થઈને સેનામાં જોડાવા માંગે છે.

બાળકે શું લખ્યું પત્રમાં
બાળકે મલયાલમમાં લખ્યું, ‘પ્રિય ભારતીય સેના, મારા વાયનાડમાં ભૂસ્ખલન થયું છે. જેના કારણે અહીં તબાહી થઈ ગઈ છે. તમને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવતા જોઈને મને ગર્વ અને આનંદ થઈ રહ્યો છે. મેં હમણાં જ એક વીડિયો જોયો જેમાં તમે બિસ્કીટ ખાઈ રહ્યા છો. આ જોઈને હું ખૂબ પ્રભાવિત થયો છું અને હું પણ એક દિવસ ભારતીય સેનામાં જોડાઈને મારા દેશની રક્ષા કરવા ઈચ્છું છું.

આ પણ વાંચો: Paris Olympics 2024 Day 8: આજે ભારત પ્રથમ ગોલ્ડ જીતી શકે છે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

સેનાએ પણ આપ્યો જવાબ
સેનાએ તેના નાના યોદ્ધાનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય સેનાના સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘ડિયર રેયાન, તમારા હૃદયસ્પર્શી શબ્દો અમને ખૂબ જ સ્પર્શી ગયા છે. અમારો ધ્યેય કટોકટીના સમયમાં આશાની દીવાદાંડી બનવાનો છે. તમારા જેવા હીરો અમને શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપે છે. અમે તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તમે યુનિફોર્મ પહેરીને અમારી સાથે ઊભા રહેશો. સાથે મળીને આપણે આપણા દેશને ગૌરવ અપાવીશું. યુવાન યોદ્ધા, તમારી હિંમત અને પ્રેરણા બદલ આભાર.