January 23, 2025

UAEએ 87 દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપી, યાદીમાંથી ભારત બાકાત

UAE Visa Free Entry: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વિદેશ મંત્રાલયે તેની વિઝા મુક્તિ નીતિને અપડેટ કરી છે. નવી જાહેરાત મુજબ, 87 દેશોના નાગરિકોને યુએઈમાં પ્રવેશવા માટે પ્રી-એન્ટ્રી વિઝાની જરૂર પડશે નહીં. ગલ્ફ ન્યૂઝ અનુસાર, નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે 110 દેશોના નાગરિકોએ યુએઈમાં આગમન પહેલા વિઝા મેળવવો જરૂરી છે.

બીજી બાજુ UAE સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગલ્ફ કોઓપરેશન કન્ટ્રીઝ (GCC)ના નાગરિકોને દેશની મુલાકાત લેવા માટે વિઝા અથવા સ્પોન્સરશિપની જરૂર નથી. દેશમાં પહોંચ્યા પછી તેઓ તેમના દેશમાંથી મેળવેલ પાસપોર્ટ અથવા ઓળખ કાર્ડ બતાવીને યુએઈમાં પ્રવેશ કરી શકે છે. હાલમાં GCC દેશોમાં ભારતનું નામ સામેલ નથી. સરકારે કહ્યું છે કે લાયકાત ધરાવતા લોકો 30 દિવસ માટે UAEમાં આગમન પર મફત વિઝા મેળવી શકે છે, જેમાં 10 દિવસની છૂટ પણ આપવામાં આવશે. આ સિવાય પસંદગીના દેશોના નાગરિકો UAEમાં આગમન પર 90 દિવસ માટે વિઝા મેળવી શકે છે.

UAE સરકારની નવી જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે 87 દેશોને ફ્રી વિઝા એન્ટ્રીની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે યુએઈમાં પ્રવેશતા પહેલા 110 દેશોના નાગરિકોને વિઝા મેળવવા જરૂરી છે. આવા દેશોના નાગરિકોને વિઝા વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.