December 23, 2024

ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પર હવે સુરત યુનિવર્સિટીની લાલ આંખ

અમિત રૂપાપરા, સુરત: શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પર હવે યુનિવર્સિટી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરતની બે ખાનગી ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવામાં આવી છે. કોની મંજૂરીથી તેમના દ્વારા અલગ અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે બાબતે બે દિવસમાં જવાબ આપવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં મણીબા પાર્કની નજીક જેડી ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી તેમજ વેસુ મંદિર રોડ પર આવેલ નંદની એપાર્ટમેન્ટની બાજુમાં આગમ આર્કેટમાં ચાલતા ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ બને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર જ અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ડી ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજીને જે નોટિસ પાઠવવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર જ અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હોવાની માહિતી તેમને મળી છે. આ બાબતે કોની મંજૂરીથી તેમના દ્વારા આ કોર્સ ચલાવવામાં આવ્યો છે તેમજ યુનિવર્સિટીની એનઓસી તેમને મેળવી છે કે નહીં ઉપરાંત સરકારની મંજૂરી મેળવી છે કે નહીં તે બાબતના તમામ આધાર પુરાવાઓ પાંચ દિવસમાં જમા કરાવવામાં આવે.

આ પણ વાંચો: રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રામાં નો એન્ટ્રી, જતાં પહેલા આ વાતોનું રાખો ધ્યાન

જોકે યુનિવર્સિટીની નોટિસ બાદ પણ પાંચ દિવસમાં જેડી ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન અને ટેકનોલોજી દ્વારા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જમા ન કરાવવામાં આવતા યુનિવર્સિટી દ્વારા બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જે ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા તેમને અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીનું એક સર્ટીફીકેટ આપવામાં આવતું હતું તેથી આ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદની ખાનગી યુનિવર્સિટીને પણ આ બાબતે એક પત્ર લખવામાં આવ્યો છે અને યુનિવર્સિટીને પણ અહીં મંજૂરી આપવામાં આવી હોવા બાબતેના પુરાવા રજૂ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીને જે નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સિલ્વર યુનિવર્સિટી અમદાવાદની મંજૂરી સાથે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બી વોક ઇન ફેશન ડિઝાઇન અને બી વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇનના જે કોર્સ આપના દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. તે બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાતની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં ઉપરાંત સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી મેળવ્યા બાદ આ કોર્સ શરૂ થયો છે કે નહીં તે બાબતે આધાર પુરાવા પાંચ દિવસમાં રજૂ કરવાનો આદેશ કરાયો હતો. ડિઝાઇન એન્ડ ટેકનોલોજી દ્વારા કોઈ પણ પુરાવા રજુ કરવામાં ન આવતા યુનિવર્સિટી વધુ ત્રણ દિવસની તક ઇન્સ્ટિટ્યૂટને આપી છે અને ત્રણ દિવસમાં આધાર પુરાવા રજૂ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જો આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અભ્યાસક્રમની સંબંધીત યુનિવર્સિટી કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી નહીં હોવાનું જાણીને કાર્યવાહી કરવામાં આવશે.