May 2, 2024

આજે પ્રથમ વખત સુખોઈ અને તેજસને જમ્મુથી શ્રીનગર હાઈવે પર લેન્ડ કરાશે

Sukhoi 30 Tejas Landing In JK: આતંકવાદીઓનો ગઢ ગણાતા અનંતનાગમાં મોડી સાંજે વાયુસેના પોતાની શક્તિ, સાહસ અને બહાદુરીનું વધુ એક ઉદાહરણ રજૂ કરશે. ભારતીય વાયુસેના આજે પ્રથમ વખત તેના સુખોઈ 30 અને એલસીએ તેજસને અનંતનાગના બિજબિહેરા ખાતે જમ્મુથી શ્રીનગર હાઈવે પર બનેલા 3.5 કિમીના ઈમરજન્સી રનવે પર લેન્ડ કરશે. ભારતીય વાયુસેનાએ આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. ઈમરજન્સી રનવેની આસપાસ સુરક્ષા દળોની વધારાની તૈનાતી સાથે સીસીટીવી, રડાર અને અન્ય ટેકનિકલ સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે.

ચાર સર્કલમાં સુરક્ષા કોર્ડન, ગરુડ કમાન્ડો તૈનાત
ભારતીય વાયુસેનાના સુખોઈ 30 અને સ્વદેશી વિમાન એલસીએ તેજસના ઉતરાણને ધ્યાનમાં રાખીને બહુસ્તરીય સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ તેના આઉટર કવર સર્કલમાં, બીજા સર્કલમાં CRPF, ત્રીજા સર્કલમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન એરફોર્સના ગરુડ કમાન્ડો છેલ્લા અને અંદરના સર્કલમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય સેવા, ફાયર સર્વિસ સહિતના અન્ય વિભાગોની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અરુણાચલ પર ચીનના દાવા પર જયશંકરે કહ્યું, ‘જો હું તમારા ઘરનું નામ બદલીશ તો શું તે મારું થઈ જશે’

119 કરોડના ખર્ચે તૈયાર
NHAI અધિકારીઓએ જણાવ્યું કે આ રનવે લગભગ 119 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ યુદ્ધની પરિસ્થિતિમાં અથવા કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં માનવ સહાય પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થશે. કુદરતી આફતના કિસ્સામાં રાહત કાર્ય ઝડપથી કરવામાં આવશે.

મંગળવારે સવારે 7 વાગ્યા સુધી હાઇવે બ્લોક કરાયો
જમ્મુ કાશ્મીર ટ્રાફિક પોલીસે પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વાનપોહ, ખાનબાલ, બાટેંગૂ, પાદશાહી બાગ અને બિજબિહાર સહિત એલિસ્ટોપ અને દુનીપોરા વચ્ચેના જૂના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હળવા મોટર વાહનોને ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રક ચાલકોને મંગળવાર, 1 એપ્રિલથી 2 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યા સુધી હાઇવે પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.