ઉદ્ધવ સેનાએ મહારાષ્ટ્રની હાર માટે કોંગ્રેસ પર ઠીકરું ફોડ્યું
Thackeray Shiv Sena: તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (MVA)ની કારમી હાર બાદ શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા અંબાદાસ દાનવેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે MVA ગઠબંધનની હારના મુખ્ય કારણો તરીકે બેઠકોની વહેંચણી દરમિયાન કોંગ્રેસના ‘અતિ આત્મવિશ્વાસ’ અને ‘અહંકારી વલણ’ને ટાંક્યું હતું.
ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધને 288માંથી 230 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસ, શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના એમવીએ ગઠબંધનને માત્ર 46 બેઠકો મળી હતી. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે મહાવિકાસ અઘાડીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા જોઈએ. કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધતા તેમણે કહ્યું કે, “તેઓ પરિણામ આવે તે પહેલા જ સૂટ અને ટાઈ પહેરવાની તૈયારી કરી રહ્યા હતા.”
એનડીટીવી સાથે વાત કરતા દાનવેએ કહ્યું, “લોકસભા ચૂંટણીના પરિણામો પછી, કોંગ્રેસ મહારાષ્ટ્રમાં અતિશય આત્મવિશ્વાસમાં હતી, જેમ કે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં પણ જોવા મળ્યું હતું. સીટ-શેરિંગ દરમિયાન તેમના વલણથી અમને નુકસાન થયું. જો ઉદ્ધવજીને મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવામાં આવ્યો હોત તો પરિણામો અલગ હોત.
એકનાથ શિંદે પર પણ નિશાન સાધ્યું હતું
દાનવેએ શિવસેનાના પૂર્વ નેતા એકનાથ શિંદે પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, “ભાજપ પાસે દરેક રાજ્યમાં ઘણા ‘શિંદે’ છે, જેનો તે ઉપયોગ કરે છે અને ફેંકી દે છે.” ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનમાં હવે મુખ્યમંત્રી પદની ચર્ચા થઈ રહી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો જીતી છે, જ્યારે શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી છે. મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એકનાથ શિંદેએ બુધવારે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ નેતૃત્વના નિર્ણયને સ્વીકારશે.