January 23, 2025

ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સામે સુરત પોલીસની તવાઈ, એકની ધરપકડ

surat amroli police raid illegal gas refiling one accused arrested

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનારા ઇસમો સામે હવે સુરત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલાં સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે અમરોલી પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવી છે. અમરોલી પોલીસે છાપરાભાઠા રોડ પર વાળીનાથ સોસાયટી પાસે આવેલી એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા એક ઈસમની ધરપકડ કરી તેની પાસેથી 48 નાની મોટી ગેસની બોટલો, ગેસ રિફિલિંગનું મશીન અને વજન કાટો જપ્ત કર્યો છે.

સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનારા ઇસમો સામે તવાઈ બોલાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસો પહેલાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસની બોટલ રિફિલ કરતા ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ગેસની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસની બોટલ રિફિલિંગ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત-રાજસ્થાનમાંથી ઝડપાઈ ડ્રગ્સની 3 ફેક્ટરી, 10 આરોપીની ધરપકડ

અમરોલી પોલીસને એવી બાતમી મળી હતી કે, અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર આવેલી વાળીનાથ સોસાયટીમાં અલગ અલગ બે દુકાનોમાં ગેસ રિફિલિંગ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા વાડીનાથ સોસાયટી નજીક આવેલી આ બંને દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ બંને દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ થઈ રહ્યું છે. તેથી પોલીસ દ્વારા દુકાનની અંદરથી 48 દિવસની નાની મોટી બોટલો કબજે કરી છે.

આ પણ વાંચોઃ ગેમ રમવા સુરત બોલાવી બે વ્યક્તિનું અપહરણ કરી લાખોની લૂંટ, પોલીસે 4ની ધરપકડ કરી

આ ઉપરાંત ગેસ રિફિલિંગ માટેનું એક મશીન અને વજનકાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે, ગેસ રિફિલિંગ કરતા સમયે બ્લાસ્ટ થવાની ઘટનાઓના ત્રણ કિસ્સા સુરતમાં બન્યા છે. આ ઘટનાઓમાં લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. તેને જ લઈને હવે સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસની બોટલો રિફિલ કરનારા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.