May 5, 2024

ICICI બેંકની iMobile એપ પર અન્ય લોકોના ક્રેડિટ કાર્ડની ગુપ્ત માહિતી હોવાનો દાવો!

અમદાવાદ: ICICI બેંકની મોબાઇલ એપ્લિકેશન iMobile Pay પર ટેકનિકલ સમસ્યાઓ આવી રહી છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે, તેઓ આ પ્લેટફોર્મ પર અન્ય લોકોના ક્રેડિટ કાર્ડની ગુપ્ત માહિતી જોઈ શકે છે. આ સમસ્યા પ્રકાશમાં આવતાની સાથે જ ICICI બેંક એક્શનમાં આવી અને હાલમાં iMobile વપરાશકર્તાઓ એપ પર તેમના ક્રેડિટ કાર્ડની વિગતો જોઈ શકતા નથી. જે બાદ બેંકે સુરક્ષાનાં પગલાં લીધાં છે.

સમસ્યા શું છે?
ટેક્નોફિનોના સ્થાપક સુમંતા મંડલે આ ઘટના વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે. આ પોસ્ટ સાથે તેણે ICICI બેંક અને દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પણ ટેગ કર્યા છે અને તેમને આ મામલે તાત્કાલિક તપાસ કરવા કહ્યું છે.

અન્ય ગ્રાહકોની વિગતો જોઈ શકશે
સુમંત મંડલે લખ્યું છે કે ઘણા વપરાશકર્તાઓએ જાણ કરી છે કે તેઓ તેમની iMobile એપ પર અન્ય ગ્રાહકોના ICICI બેંક ક્રેડિટ કાર્ડની વિગતો જોઈ શકે છે. જેમાં મોબાઈલ પર ક્રેડિટ કાર્ડનો સંપૂર્ણ નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન સેટિંગ્સને મેનેજ કરવાનો વિકલ્પ પણ જોઈ શકાય છે. તેથી કોઈપણ માટે આવા વપરાશકર્તાઓના ક્રેડિટ કાર્ડ્સ પર આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરવાનું શક્ય બનશે. જે મોટી નાણાકીય સમસ્યાઓ ઊભી કરી શકે છે.

ICICI બેંકે લીધા આ પગલા
જ્યારે ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પર સમાન સમસ્યાની જાણ કરી છે. ત્યારે સુમંત મંડલે પોસ્ટ કર્યું કે, કદાચ આ સમસ્યાને ઉકેલવા માટે ICIC બેંકે ક્રેડિટ કાર્ડની માહિતીને iMobile એપ પર દેખાતી અટકાવી દીધી છે. જ્યારે અમે iMobile એપ પર ક્રેડિટ કાર્ડની માહિતી એક્સેસ કરવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારે તે દેખાતી ન હતી.

કાર્ડ બ્લોક કરવાની સલાહ આપી
સામાન્ય વપરાશકર્તાઓને આ સમસ્યાને કારણે કોઈ નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે TechnoFinoના સ્થાપકે સલાહ આપી છે કે વપરાશકર્તાઓએ તેમના ક્રેડિટ કાર્ડ્સ બ્લોક કરવા જોઈએ.