May 5, 2024

માંડવીના અરેઠ ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, મંત્રી અને તંત્ર દોડતું થયું

કિરણસિંહ ગોહિલ, માંડવી: સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ સ્ટોન ક્વોરી બંધ કરાવવાના વિરોધ ફરી ઉગ્ર બન્યો છે. રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ કોઈ રિપોર્ટ નહીં થતા અને ક્વોરીઓ આ બાબતે ઠોસ નિર્ણય નહીં થતાં આજે ફરી ગ્રામજનો ભેગા મળી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જોકે તંત્ર અને મંત્રી કુંવરજી હળપતિ એ ચૂંટણી પહેલા ક્વોરી બંધ કરાવવા ધરપત આપી હતી.

સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં પહેલા પથ્થરો તોડવાની સ્ટોન કરી બાબતે સ્ટોન ક્વોરી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો લડત ઉપાડી હતી. ગ્રામજનોની ઉગ્ર લડત બાદ માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુવરજી હળપતિની અધ્યક્ષતામાં ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી. અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટી તંત્રના મેળા પીપળામાં સ્ટોન કોરી મામલે કોઇ કાર્યવાહી નહીં થતાં ફરી ગ્રામજનોમાં વિરોધનો સુર ઊઠ્યો છે.

જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરી ગામમાં સદંતર બંધ કરવામાં આવે એવી માંગ કરી હતી. અને રાજ્યમંત્રી કુવરજી હળપતિની આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવી હતી. અને 15 દિવસ સુધી ક્વોરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું. પરંતુ મંત્રી કુંવરજી હળપતિની આગેવાનીમાં બનેલ તપાસ કમિટીમાં પ્રાંત અધિકારીએ કોઈ રિપોર્ટ કર્યો ના હતો. આજે ગ્રામજનો ભેગા મળી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉંચારતા તંત્ર અને મંત્રી કુંવરજી હળપતિ ત્યાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 23 તો અમદાવાદ પશ્ચિમ બેઠક માટે 6 ઉમેદવારનાં ફોર્મ માન્ય

માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની પાંચજેટલી સ્ટોન ક્વોરી ઓ આવેલી છે. સતત બ્લાસ્ટિંગ થતા ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડત ઉપાડી છે. અને લડતના અંતે કોઈ નિરાકરણ આવ્યું ન હતું જે બાદ આજે અરેઠ ગ્રામજનો દ્વારા ગામ બંધ રાખી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની મતદાનનો બહિષ્કારની ચીમકીને લઇ માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાધવ તેમજ માંડવી મામલતડાર પણ ગ્રામજનોની મિટિંગમાં આવી પહોંચ્યા હતા. જોકે હવે ગ્રામજનો નો વહીવટી તંત્ર સામે રોષ વધ્યો હતો. અગાઉ પણ બે વાર લોલીપોપ આપ્યા બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું તો ઠીક પરંતુ પંદર દિવસમાં તપાસ માટે અધિકારીઓ ફરક્યા પણ ન હતા. આજે ચૂંટણીમાં નુકસાન થવાની બીકે મંત્રી કુંવરજી હળપતિએ સીએમ કાર્યાલયને રજુઆત કરી ચૂંટણી પહેલા તમામ ક્વોરી બંધ કરવા બાંહેધરી આપી હતી.

માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. જેનાથી ઘરોનમાં તિરાડો તેમજ પાણીની સમસ્યા અને ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન જઈ રહ્યું છે. જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે. અને બીજી બાજુ સ્થાનિક વહીવટી તંત્ર અધિકારી અને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા આજે ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા હતા. ચૂંટણી પહેલા જો ક્વોરી બંધ નહીં થાય તો ગ્રામજનો એ ભાજપના નેતાઓને ગામ માં ફરકવા દેવા પણ મનાઈ ફરમાવી હતી. તેમજ ગ્રામજનો ક્વોરી બંધ ના થાય તો ચૂંટણી બહિષ્કારની વાત પર મક્કમ જણાઈ રહ્યા છે ત્યારે આજે જયારે મંત્રી કુંવરજી હળપતીએ ગ્રામજનોને ચૂંટણી પહેલા તમામ ક્વોરીઓ બંધ કરાવવા બાહેધરી આપી છે ત્યારે આવનારા દિવસોમાં જો ચૂંટણી પહેલા તમામ ક્વોરીઓ બંધ નહીં થાય તો ગ્રામજાનો ત્રણ દિવસ ગામ બંધ રાખી ચૂંટણીનો બહિષ્કાર કરશે.