પશુપાલકોના પશુને મળ્યું સુરક્ષા કવચ, રૂ.100 ચૂકવી મેળવી શકશે પશુ વીમો
અમદાવાદ: હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂપિયા 100 પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કહ્યું કે પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે.
પશુઓને આવરી લેવાનું આયોજન
યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ 14 નવેમ્બરથી એક મહિના સુધી ખુલ્લું મૂકાશે. પ્રતિ પશુપાલક 1 થી 3 વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે સહાય અપાશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન કરાયું છે. ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા 23 કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે.
આ પણ વાંચો: સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ
પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે
પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કહ્યું હતું કે, પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે છે. 14 નવેમ્બરથી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવશે. અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી 1 થી 3 વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે આ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર રુપિયા 100 પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે 50,000 જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.