December 11, 2024

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું ખંડેર

અમિત રૂપાપરા, સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા જુની બોમ્બે માર્કેટ નજીક કરોડોના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલ ખંડેર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સાત મહિના પહેલા જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેને સંભાળવામાં આવ્યું હતું તે ઇજારદાર એક કરોડ રૂપિયાનું ભરણું પાલિકાને ભર્યા વગર જ રાતોરાત રફુ ચક્કર થઈ ગયો હતો અને ત્યારબાદ આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બંધ થઈ ગયું છે ને હાલ ખંઢેર જેવી હાલતમાં જોવા મળી રહ્યું છે.

કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું
સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સરદાર રૂપિયાના ખર્ચે સુરતની જુની બોમ્બે માર્કેટ નજીક સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાળકો તેમજ લોકો અલગ અલગ એક્ટિવિટીમાં આગળ વધે તેવા હેતુથી આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ સુરત મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરાયું હતું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સુરત મહાનગરપાલિકાએ પોતાની રીતે ચલાવવાના બદલે PPP ધોરણે એમ પી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને આપી દીધુ હતું. આ ઇજારદાર મિલકત વેરો તેમજ પાણી બિલની 1 કરોડ કરતાં વધુની રકમની ભરપાઈ કર્યા વગર રાતો રાત જીમની બધી જ મશીનરી તેમજ સામાન લઈને રફુ ચક્કર થઈ ગયો હતો.

આ પણ વાંચો: તાપીમાં લગ્નની બાબતે પુત્રએ કરી પિતાની હત્યા

અભાવના કારણે ખંડેર
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પેસેજમાં જે પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે તે તમામ પેવર બ્લોક નીચેથી ઘાસ ઉગી નીકળ્યું છે. છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી કે કરોડોની પ્રોપર્ટી ખંડેર થઈ રહી છે. આટલું જ નહીં આ સ્પોર્ટ કોમ્પ્લેક્સના ગાર્ડનમાં દારૂ પાર્ટી થતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને દારૂની બોટલ પણ ગાર્ડનમાંથી મળી આવી હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બેડમિન્ટન પ્લેયરો પોતાની તાલીમ લઈ શકે પરંતુ હાલ આ બેડમિન્ટન માટેની જગ્યા પણ દેખરેખના અભાવના કારણે ખંડેર જેવી દેખાઈ રહી છે. તો બીજી તરફ સ્વિમિંગ પૂલમાં તો જે પાણી ભરેલું હતું તેમાં લીલના થર જામી ગયા હતા. અને પાણી ખૂબ જ દુર્ગંધ મારતું હતું. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને જાણે લોકોના પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયા ખર્ચ કરીને તૈયાર થયેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દેખરેખ રાખવામાં કંઈ રસ જ ન હોય તે પ્રકારની કામગીરી અહીં જોવા મળી રહી છે.