December 22, 2024

હૈદરાબાદે IPLના ઈતિહાસમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, મુંબઈને આપ્યો 278 રનનો ટાર્ગેટ

SRH vs MI Indian Premier League 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પછી સનરાઇઝર્સની ટીમે IPL ઇતિહાસમાં 278 રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આઈપીએલ ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

આ સિઝનની 2 સૌથી ઝડપી અર્ધસદી મેચમાં ફટકારવામાં આવી
સનરાઇઝર્સ ટીમ માટે સૌથી પહેલા ટ્રેવિસ હેડે 18 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડ્યો અને 16 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. તેણે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેકે 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી, ત્યારબાદ છેલ્લે, હેનરિક ક્લાસેને 34 બોલમાં અણનમ 80 રન અને એડન માર્કરમે 42 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને ઐતિહાસિક સ્કોર સુધી પહોંચાડી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી અને પીયૂષ ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.

બંને ટીમના પ્લેઈંગ 11માં આ રીતે ફેરફાર થયા
બંને ટીમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. લ્યુક વૂડને મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે, તેમના સ્થાને 17 વર્ષના ક્વેના માફાકાને સામેલ કર્યો છે. આ તેની ડેબ્યૂ મેચ છે. બીજી બાજુ હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. માર્કો જાનસેન અને ટી નઝરજનને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના સ્થાને ટ્રેવિસ હેડ અને જયદેવ ઉનડકટને સામેલ કરવામાં આવ્યા હતા.