May 5, 2024

સિંધુનું દમદાર કમબેક, ચીનને આપી ધોબી પછડાટ

અમદાવાદ: સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈજાને કારણે ચાર મહિના પછી મેચમાં જોરદાર કમબેક કર્યું છે. બુધવારે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ (BATC)ની મહિલા ઈવેન્ટમાં ચીનને 3-2થી માત આપીને પોતાની દમદાર કમબેકનો પરચો આપ્યો હતો. ગ્રુપ ડબલ્યુમાં માત્ર બે ટીમ હોવાને કારણે પ્રથમ મેચ પહેલા જ નોકઆઉટમાં ભારતની જીત નિશ્ચિત હતી. પરંતુ ટીમે ટોચની ચીનની ખેલાડીને હરાવીને ગૌરવ સાથે નોકઆઉટમાં જગ્યા બનાવી હતી. ગયા વર્ષે ફ્રેંચ ઓપન દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ ગયેલી હતી. પણ સિંધુએ 40 મિનિટમાં તેની હરીફ હાન યુઈને 21-17, 21-15થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.

વર્લ્ડ રેકિંગ નંબર
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ વર્લ્ડ રેન્કિંગ 11માં ક્રમે છે. જ્યારે હેન યુઇ આઠમાં સ્થાને છે. તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની જોડીને ત્યારબાદ લિયુ શેંગ શુ અને તાન નિંગની જોડી સામે 19-21, 16-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અસ્મિતા ચલિહાને પણ વિશ્વની નવમાં ક્રમે રહેલી વાંગ ઝી યી સામે 13-21, 16-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત 15-21થી હારી ગયું અને ત્રણ મેચ બાદ ભારત 1-2થી પાછળ રહી ગયું.

નવ મિનિટની નિર્ણાયક મેચ
ત્યારબાદ ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે લી યી જિંગ અને લુઓ શુ મિનની જોડીને એક કલાક અને નવ મિનિટમાં 10-21, 21-18, 21-17થી હરાવીને ભારતને સમાનતા અપાવી હતી. નિર્ણાયક મુકાબલામાં વિશ્વના 472 નંબરના ખેલાડી અનમોલ ખાર્બે વિશ્વના 149 નંબરના ખેલાડી વુ લિયાઓ યુને 22-20, 14-21, 21-18થી એક કલાક અને 17 મિનિટમાં હરાવી ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ભારતીય પુરુષ ટીમ બુધવારે ગ્રુપ A લીગ મેચમાં હોંગકોંગ સામે ટકરાશે.