સેબીના ચેરપર્સનના અદાણી સાથે સીધા કનેક્શન: હિંડનબર્ગ રિસર્ચ
Hindenburg Research: ગત વખતે અદાણી જૂથને નિશાન બનાવનાર હિંડનબર્ગે આ વખતે માર્કેટ રેગ્યુલેટર સેબી પર સીધો હુમલો કર્યો છે. હિંડનબર્ગ રિપોર્ટમાં જણાવાયું છે કે સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. આ જ કારણ છે કે તેઓએ 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે પગલાં લીધા નથી. હિન્ડેનબર્ગ રિસર્ચે આ ખુલાસા અંગે સવારે સોશિયલ મીડિયા X પર જાહેરાત કરી હતી.
ફરી એકવાર અદાણી ગ્રુપ હિંડનબર્ગના નિશાના પર છે. ગુપ્ત દસ્તાવેજોને ટાંકીને, હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું છે કે કથિત અદાણી કૌભાંડમાં વપરાતી ઑફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષની હિસ્સેદારી હતી.
માધબી પુરી બુચે પતિને ટ્રાન્સફર કર્યા પોતાના શેર
હિંડનબર્ગ રિસર્ચે તેના આરોપોમાં કહ્યું છે કે એપ્રિલ 2017થી માર્ચ 2022 સુધી માધબી પુરી બુચ સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અને અધ્યક્ષ હતા. સિંગાપોરમાં અગોરા પાર્ટનર્સ નામની કન્સલ્ટિંગ ફર્મમાં તેમનો 100 ટકા હિસ્સો હતો. 16 માર્ચ, 2022ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકના બે અઠવાડિયા પહેલા, તેમણે કંપનીમાં તેમના શેર તેમના પતિ ધવલ બુચના નામે ટ્રાન્સફર કર્યા હતા.
18 મહિના પહેલા આપેલ માહિતી પર કોઈ કાર્યવાહી ન કરાઇ
હિંડનબર્ગે પોતાના કથિત ખુલાસામાં જણાવ્યું હતું કે ગત વર્ષે અદાણી ગ્રૂપ સામેના અહેવાલને 18 મહિના થાય છતાં સેબીએ પગલાં લેવામાં કોઈ રસ દાખવ્યો નથી. મોરેશિયસમાં અદાણી ગ્રૂપના બ્લેક મની નેટવર્કની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. તેનાથી વિપરીત, જૂન 2024 માં, સેબીએ અમને કારણ બતાવો નોટિસ ઇસ્યુ કરી હતી.