September 19, 2024

શિવાજી પ્રતિમા ખંડિત કેસના આરોપી શિલ્પકાર-કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેની ધરપકડ

મહારાષ્ટ્ર: ગયા મહિને મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતનના સંબંધમાં વોન્ટેડ શિલ્પકાર-કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેની બુધવારે રાત્રે થાણે જિલ્લાના કલ્યાણમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આપ્ટે દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા તેના ઉદ્ઘાટનના નવ મહિના કરતાં પણ ઓછા સમયમાં 26 ઓગસ્ટે તૂટી પડી હતી, જેના પગલે સિંધુદુર્ગ પોલીસ તેને શોધી રહી હતી. પોલીસે તેને શોધવા માટે સાત ટીમો બનાવી હતી.

શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ માલવણ પોલીસે આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ સામે બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટીલની ગત સપ્તાહે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીઓની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા પ્રવીણ દારકરે કહ્યું હતું કે, અમારી સરકારની ટીકા કરનારાઓએ હવે મોં બંધ કરવું જોઈએ. એ વાત સાચી છે કે જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં પોલીસને થોડો સમય લાગ્યો હતો. અમે ધરપકડનો શ્રેય નથી લઈ રહ્યા પરંતુ પોલીસે તેમનું કામ કર્યું છે.

આ પણ વાંચો: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે BJPએ 67 ઉમેદવારોની યાદી કરી જાહેર

સિંધુદુર્ગ પોલીસ આપ્ટેને માલવણ લઈ ગઈ હતી, જ્યાં તેને રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આપ્ટેના વકીલ ગણેશ સોહનીનો દાવો છે કે તેણે પોતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ માલવણ પોલીસે આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ સામે બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટીલની ગત સપ્તાહે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પ્રતિમાના નિર્માણમાં વપરાયેલી સામગ્રી તેમજ જે પ્લેટફોર્મ પર પ્રતિમા ઊભી હતી તેના નમૂનાઓ પણ વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે.