November 22, 2024

USમાં કાળઝાળ ગરમી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું સ્ટેચ્યુ ઓગળી ગયું

America Abraham Lincoln Statue: આ દિવસોમાં અમેરિકામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ઉનાળાની ગરમી વચ્ચે વોશિંગ્ટન ડીસીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની છ ફૂટ ઊંચી મીણની પ્રતિમા પીગળી ગઈ છે. પીગળવાના કારણે લિંકનની પ્રતિમાનો આકાર સંપૂર્ણપણે બગડી ગયો છે.

પ્રતિમા શાળાની બહાર સ્થાપિત કરવામાં આવી હતી
વોશિંગ્ટન ડીસીમાં પ્રાથમિક શાળાની બહાર અબ્રાહમ લિંકનની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગરમીના કારણે લિંકનની પ્રતિમાનું માથું પીગળી ગયું અને ધડથી અલગ થઈ ગયું. અબ્રાહમ લિંકનની પીગળેલી મૂર્તિઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મૂર્તિથી ગરમી સહન ન થઇ
શનિવારે વોશિંગ્ટન ડીસીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું. મીણની પ્રતિમા ગરમી સહન ન કરી શકી અને પીગળી ગઈ. આ પ્રતિમા અમેરિકન કલાકાર સેન્ડી વિલિયમ્સ IV દ્વારા બનાવવામાં આવી હતી. આ પ્રતિમા આ વર્ષે ફેબ્રુઆરીમાં નોર્થવેસ્ટ વોશિંગ્ટનમાં સ્કૂલ કેમ્પસની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપિત કરનાર સંસ્થા કલ્ચરલ ડીસીએ જણાવ્યું હતું કે તે ગરમીમાં ઓગળી ગયા બાદ અમારા સ્ટાફે લિંકનનું માથું મેન્યુઅલી હટાવ્યું હતું જેથી તેને પડવા અને તૂટતા અટકાવી શકાય.

હાલ અમેરિકામાં ખૂબ જ ગરમી
કલ્ચર ડીસીના જણાવ્યા અનુસાર, અત્યંત ગરમીની અસર લિંકનની પ્રતિમા પર જોવા મળી છે. અમેરિકાના ઘણા ભાગોમાં આ વર્ષે ભારે તાપમાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં રહેતા લોકોને આ મહિને ગરમ પવનો માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. અમેરિકાના લોકો છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓએ પણ લોકોને ગરમીને જોતા સાવચેતી રાખવા જણાવ્યું છે.