December 24, 2024

સાણંદ: વ્હોટ્સ એપ સ્ટેટ્સમાં ધમકી આપવાની અદાવતમાં યુવક પર ફાયરિંગ

મિહિર સોની, અમદાવાદ: વ્હોટ્ટસ એપ સ્ટેટ્સમાં ધમકી આપવાની અદાવતમાં યુવક પર ફાયરિંગની સામે આવી છે. આ સમગ્ર ઘટના મામલે એવું પણ સામે આવ્યું છે કે, બંને મિત્રો વચ્ચે સગાઈ તોડી નાખવા બાબતે તકરાર ચાલતી હતી. યુવકે બહેનના પૂર્વ મંગેતર પર એક રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. સાણંદ GIDC પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી અરમાન કુરેશીએ અંગત અદાવતમાં પોતાના પૂર્વ બનેવી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાની વાત કરીએ તો મૂળ કડીના રહેવાસી ફરદીન પઠાણને ઝઘડાનું સમાધાન કરવાના બહાને આરોપી અરમાન કુરેશી અને તેના મિત્ર આરીફખાન પઠાણએ બોલાવીને એક રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનામાં ફરદીનને માથાના ભાગે ગોળી વાગી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. ત્યારે ફરદીનની સગાઈ દોઢ વર્ષ પહેલાં આરોપી અરમાનની બહેન સાથે થઈ હતી. પરંતુ મનદુઃખ બાદ અરમાનના પરિવારે સગાઈ તોડી નાખી હતી. અને ત્યાર બાદથી બંન્ને પરિવાર વચ્ચે ઝઘડો ચાલતો હતો. અને તેની અદાવત રાખીને અરમાને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અરમાન કુરેશી અને ફરદીન કડીના રહેવાસી છે. બન્ને એકબીજાના મિત્ર હતા. ફરદીન મિત્ર હોવાથી અરમાનના ઘરે અવરજવર કરતો હતો. જેથી અરમાનના પરિવારે પોતાની દીકરીની સગાઈ એક વર્ષ પહેલાં ફરદીન સાથે કરી હતી. પરંતુ બન્ને પરિવાર વચ્ચે મનદુઃખ થયું હતું. જેથી 3 માસ પહેલા અરમાને પોતાની બહેનની સગાઈ ફરદીન સાથે તોડી નાંખી હતી. અને ત્યાર બાદથી તેઓની વચ્ચે તકરાર શરૂ થઈ હતી. છેલ્લા દોઢ માસથી અરમાન અને ફરદીન સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ દ્વારા એકબીજાને કટાક્ષથી ધમકી આપતા હતા. આ શાબ્દિક લડાઈ એટલી ઉગ્ર થઈ ગઈ કે અરમાને પોતાના મિત્ર આરીફખાન સાથે મળીને ફરદીનની હત્યાનું કાવતરું રચ્યું હતું. અને દેશી તંમચો લઈને સાણંદ GIDC નજીક ફરદીન પર ફાયરીગ કરીને ફરાર થઇ ગયા હતા પરંતુ પોલીસે બાતમીના આધારે અરમાનની ધરપકડ કરી છે જ્યારે આરીફની શોધખોળ શરૂ કરી છે.

પકડાયેલા આરોપી અરમાન વિરુદ્ધ અગાઉ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જ્યારે તેના મિત્ર આરીફ વિરુદ્ધ અગાઉ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. એટલું જ નહીં ફરદીન અને તેના પિતા દિલાવરખાન વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશનના ગુના નોંધાયા હતા. જેની જાણ અરમાનના પરિવારને થતા સગાઈ તોડી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ઘટનામાં ફરદીનની હાલત નાજુક છે. જ્યારે પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને હથિયાર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે વોન્ટેડ આરોપી આરીફને પકડવાની તજવીજ હાથ ધરી છે.