May 6, 2024

PM મોદીના સંપત્તિ વિભાજનના નિવેદન પર સામ પિત્રોડાની માગ – ભારતમાં વારસાગત ટેક્સ લાગુ કરો

Sam pitroda said Apply Inheritance Tax in India on pm narendra modi statement

અમદાવાદઃ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જ્યાં કોંગ્રેસ દેશની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર અમીરોમાં રસ ધરાવતી પાર્ટી હોવાનો આરોપ લગાવતી રહે છે. આ સાથે જ ભાજપ પણ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતું રહે છે. આ દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પ્રોપર્ટીની વહેંચણી પર પીએમ મોદીના નિવેદન બાદ આવી માંગણી કરી છે, જેનાથી ભારતીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

સામ પિત્રોડાએ કહ્યુ કે, ‘અમેરિકામાં વારસાગત કર છે. જો કોઈની પાસે $100 મિલિયનની નેટવર્થ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે, ત્યારે તે તેના બાળકોને ફક્ત 45 ટકા જ આપી શકે છે. 55 ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ નિયમ છે. તે કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ. જો કે, સંપૂર્ણ નહીં, માત્ર અડધાથી સ્હેજ ઓછી. મને આ ન્યાયી કાયદો ગમે છે.’

તેમણે આગળ કહ્યુ કે, ‘જો કે, ભારતમાં તમારી પાસે આ કાયદો નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ છે અને તે મૃત્યુ પામે છે, તો તેના બાળકોને 10 અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું. તેથી લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે અંતિમ પરિણામ શું આવશે, પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે અને માત્ર અતિ સમૃદ્ધ લોકોના હિતમાં નથી.’

પિત્રોડાએ કહ્યુ કે, ‘આ નીતિ વિષયક છે. કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેના દ્વારા સંપત્તિની વહેંચણી વધુ સારી રીતે થાય. અમારી પાસે લઘુત્તમ વેતન (ભારતમાં) નથી. જો દેશમાં લઘુત્તમ વેતન હોય અને કહેવામાં આવે કે આટલા પૈસા ગરીબોને આપો તો આ સંપત્તિની વહેંચણી છે. આજે શ્રીમંત લોકો તેમના પટાવાળા અને નોકરોને પૂરતો પગાર આપતા નથી, પરંતુ તેઓ તે પૈસા દુબઈ અને લંડનમાં રજાઓ પર ખર્ચ કરે છે. અમારી પાસે હજુ સુધી કોઈ લઘુત્તમ વેતન કાયદો નથી.’

તેમણે કહ્યુ કે, ‘જ્યારે તમે સંપત્તિની વહેંચણીની વાત કરો છો, તો તેનો અર્થ એ નથી કે તમે ખુરશી પર બેસીને કહો છો કે મારી પાસે આટલા પૈસા છે અને હું તેને બધામાં વહેંચીશ. આવું વિચારવું મૂર્ખતા છે. જો કોઈ દેશના વડાપ્રધાન આવું વિચારે છે તો મને તેમની સમજ અંગે થોડી ચિંતા છે. તમે ખરેખર સંપત્તિના પુનઃવિતરણની આસપાસ નીતિ વિષયક મુદ્દાઓ સાથે કામ કરી રહ્યાં છો અને જ્યારે તમે ડેટા માટે પૂછો છો, ત્યારે તમે ખરેખર આજે વિતરણ શું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છો.’

તેણે વધુમાં કહ્યું કે, ‘આ બધા વિશે અમારી પાસે સચોટ ડેટા નથી. મને લાગે છે કે નીતિ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે અમને ડેટાની જરૂર છે. સંપત્તિની વહેંચણી માટે અમને આંકડાઓની જરૂર નથી. આગળ જતા નીતિ વિષયક મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે અમને ડેટાની જરૂર છે.’