May 6, 2024

PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર – જીવન દરમિયાન અને જીવન પછી પણ કોંગ્રેસની લૂંટ

અમદાવાદઃ સામ પિત્રોડાના નિવેદન મામલે નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે કે, ‘કોંગ્રેસ પાર્ટીના એક પછી એક ખતરનાક ઈરાદાઓ સામે આવી રહ્યા છે. શાહી પરિવારના રાજકુમારના સલાહકારે થોડા સમય પહેલા કહ્યું હતું કે મધ્યમ વર્ગ પર વધુ ટેક્સ લાદવો જોઈએ. હવે આ લોકો એક ડગલું આગળ વધી ગયા છે. હવે કોંગ્રેસ કહે છે કે તે વારસાગત ટેક્સ લગાવશે, તે માતા-પિતા પાસેથી મળેલા વારસા પર પણ ટેક્સ લગાવશે. તમે તમારી મહેનતથી જે સંપત્તિ ભેગી કરો છો તે તમારા બાળકોને નહીં મળે, પરંતુ કોંગ્રેસ સરકારના પંજા તમારી પાસેથી તે છીનવી લેશે.’

તેઓ વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહે છે કે, ‘મતલબ કે કોંગ્રેસનો મંત્ર છે – જીવન દરમિયાન અને જીવન પછી પણ કોંગ્રેસની લૂંટ. જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી કોંગ્રેસ તમને ઉંચા કરના બોજા હેઠળ દબાવી દેશે અને જ્યારે તમે હયાત નથી, ત્યારે તે તમારા પર વારસાગત કરનો બોજ નાંખશે. જે લોકો આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને સંતાનોને આપતા હતા, તેઓ નથી ઈચ્છતા કે એક સામાન્ય ભારતીય તેની મિલકત તેના બાળકોને આપે.’

આ પણ વાંચોઃ PM મોદીના સંપત્તિ વિભાજનના નિવેદન પર સામ પિત્રોડાની માગ – ભારતમાં વારસાગત ટેક્સ લાગુ કરો

સામ પિત્રોડાએ શું નિવેદન આપ્યું હતું?
સામ પિત્રોડાએ કહ્યુ કે, ‘અમેરિકામાં વારસાગત કર છે. જો કોઈની પાસે $100 મિલિયનની નેટવર્થ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે, ત્યારે તે તેના બાળકોને ફક્ત 45 ટકા જ આપી શકે છે. 55 ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ નિયમ છે. તે કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ. જો કે, સંપૂર્ણ નહીં, માત્ર અડધાથી સ્હેજ ઓછી. મને આ ન્યાયી કાયદો ગમે છે.’

તેમણે આગળ કહ્યુ કે, ‘જો કે, ભારતમાં તમારી પાસે આ કાયદો નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ છે અને તે મૃત્યુ પામે છે, તો તેના બાળકોને 10 અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું. તેથી લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે અંતિમ પરિણામ શું આવશે, પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે અને માત્ર અતિ સમૃદ્ધ લોકોના હિતમાં નથી.’

પિત્રોડાએ કહ્યુ કે, ‘આ નીતિ વિષયક છે. કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેના દ્વારા સંપત્તિની વહેંચણી વધુ સારી રીતે થાય. અમારી પાસે લઘુત્તમ વેતન (ભારતમાં) નથી. જો દેશમાં લઘુત્તમ વેતન હોય અને કહેવામાં આવે કે આટલા પૈસા ગરીબોને આપો તો આ સંપત્તિની વહેંચણી છે. આજે શ્રીમંત લોકો તેમના પટાવાળા અને નોકરોને પૂરતો પગાર આપતા નથી, પરંતુ તેઓ તે પૈસા દુબઈ અને લંડનમાં રજાઓ પર ખર્ચ કરે છે. અમારી પાસે હજુ સુધી કોઈ લઘુત્તમ વેતન કાયદો નથી.’

તેમણે કહ્યુ કે, ‘જ્યારે તમે સંપત્તિની વહેંચણીની વાત કરો છો, તો તેનો અર્થ એ નથી કે તમે ખુરશી પર બેસીને કહો છો કે મારી પાસે આટલા પૈસા છે અને હું તેને બધામાં વહેંચીશ. આવું વિચારવું મૂર્ખતા છે. જો કોઈ દેશના વડાપ્રધાન આવું વિચારે છે તો મને તેમની સમજ અંગે થોડી ચિંતા છે. તમે ખરેખર સંપત્તિના પુનઃવિતરણની આસપાસ નીતિ વિષયક મુદ્દાઓ સાથે કામ કરી રહ્યાં છો અને જ્યારે તમે ડેટા માટે પૂછો છો, ત્યારે તમે ખરેખર આજે વિતરણ શું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છો.’

તેણે વધુમાં કહ્યું કે, ‘આ બધા વિશે અમારી પાસે સચોટ ડેટા નથી. મને લાગે છે કે નીતિ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે અમને ડેટાની જરૂર છે. સંપત્તિની વહેંચણી માટે અમને આંકડાઓની જરૂર નથી. આગળ જતા નીતિ વિષયક મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે અમને ડેટાની જરૂર છે.’