રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પુતિનની ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી
રશિયાઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને મોટી જીત મેળવી છે. ત્યારબાદ પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બનશે તે નિશ્ચિત છે. સોમવારે પરિણામોની જાહેરાત બાદ પુતિને પહેલા સંબોધનમાં પશ્ચિમી દેશોને ધમકી આપી હતી અને ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ‘જો રશિયા અને અમેરિકાના નેતૃત્વવાળા નાટો ગઠબંધન વચ્ચે સંઘર્ષ થાય છે તો તેનો અર્થ એ છે કે વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક ડગલું દૂર હશે અને ભાગ્યે જ કોઈ આવી સ્થિતિ જોવા માગે છે.’
પુતિનનો દાવો – હજુ પણ યુક્રેનમાં નાટો સૈનિકો
રશિયા અને પશ્ચિમ વચ્ચેના સંબંધો 1962ના ક્યુબા મિસાઈલ સંકટ પછીના સૌથી ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગયા મહિને જ ભવિષ્યમાં યુક્રેનમાં સૈનિકો ઉતરવાની શક્યતાને નકારી ન હતી. જ્યારે પુતિનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુ હતુ કે, ‘આજના આધુનિક યુગમાં કંઈપણ શક્ય છે, પરંતુ જો એવું થાય તો ત્રીજું વિશ્વ યુદ્ધ બહુ દૂર નથી. નાટો સૈનિકો હજી પણ યુક્રેનમાં હાજર છે. રશિયાએ જાણ્યું છે કે યુદ્ધના મેદાનમાં અંગ્રેજી અને ફ્રેન્ચ બોલતા કર્મચારીઓ પણ છે. આ સારી બાબત નથી, ખાસ કરીને તેમના માટે કારણ કે તેઓ અહીં મોટી સંખ્યામાં મરી રહ્યા છે.’
યુક્રેન યુદ્ધ માટે વાટાઘાટો કરવા તૈયાર રશિયા
પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. યુક્રેન યુદ્ધ પર પુતિને કહ્યું કે, ફ્રાન્સ વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કારણ કે હજી બધું સમાપ્ત થયું નથી. મેં પહેલા પણ કહ્યું છે અને હવે પણ કહું છું કે અમે વાતચીત માટે તૈયાર છીએ અને આ મંત્રણા માત્ર એટલા માટે નહીં થાય, કારણ કે દુશ્મનો પાસે દારૂગોળો ખતમ થઈ ગયો છે. જો તેઓ ખરેખર ગંભીર હોય અને શાંતિ ઈચ્છતા હોય તો તેમણે પડોશી દેશોની જેમ સારા સંબંધો જાળવી રાખવા પડશે.
પુતિને અમેરિકન લોકશાહીની મજાક ઉડાવી
અમેરિકા અને પશ્ચિમી દેશોએ જ્યારે રશિયાની ચૂંટણીની ટીકા કરી ત્યારે તેમણે કહ્યુ કે, ‘આખી દુનિયા તેમના પર હસી રહી છે, પરંતુ ત્યાં શું થઈ રહ્યું છે.’ પુતિને સમગ્ર રાજ્ય તંત્ર પર ટ્રમ્પ વિરુદ્ધ તૈનાત હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પુતિનના વિરોધી ગણાતા એલેક્સી નેવલનીના મૃત્યુ પર પુતિને પ્રથમ વખત તેમના નામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેઓ હવે મૃત્યુ પામ્યા છે અને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. નવલનીનું તાજેતરમાં જ રશિયન જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.