November 22, 2024

યુક્રેનિયન શહેર પર રશિયાનો મોટો હુમલો, પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી

Russia Ukraine War: રશિયાએ ગુરુવારે યુક્રેન પર મોટો હુમલો કર્યો, તેના દક્ષિણ આસ્ટ્રાખાન ક્ષેત્રમાંથી બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો. આ પહેલીવાર છે જ્યારે રશિયાએ આટલી શક્તિશાળી અને લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કર્યો છે. યુક્રેનિયન એરફોર્સે આ જાણકારી આપી કે, રશિયાએ પહેલીવાર યુક્રેન પર ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર 21 નવેમ્બરે સવારે 5-7 વાગ્યાની વચ્ચે ICBM મિસાઈલ વડે યુક્રેનિયન શહેર ડિનિપ્રો પર તાબડતોડ હુમલા કર્યા છે.

યૂક્રેનની વાયુસેનાએ આ હુમલાની પૃષ્ટી કરી છે. આ મિસાઇલ સિવાય કિંઝલ હાયપરસોનિક અને કેએચ-101 ક્રૂઝ મિસાઇલથી પણ હુમલો કરવામાં આવ્યો છે. યૂક્રેની વાયુસેનાએ આ વાતની પૃષ્ટી કરી છે કે તેમની મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ, બિલ્ડિંગને નુકસાન થયું છે. યૂક્રેનના પાટનગર કીવમાં આવેલા અમેરિકન દૂતાવાસે કહ્યું હતું કે તેમને રશિયન હવાઇ હુમલાની સંભાવનાને લઇને મહત્ત્વપૂર્ણ ચેતવણી મળી છે જેને કારણે સાવચેતીના ભાગરૂપે દૂતાવાસને બંધ કરી દેવામાં આવ્યું છે.

યુક્રેનિયન ઈન્ટેલિજન્સે કર્યો હતો દાવો
20 નવેમ્બર 2024ના રોજ યુક્રેનિયન ઈન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે રશિયન સેના પોતાની ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ RS-26 Rubezhને છોડવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલ કપુસ્ટીન યાર એર બેઝથી લોન્ચ કરવામાં આવશે. આ વિસ્તારને અસ્ત્રાખાન પણ કહેવામાં આવે છે. આ મિસાઈલમાં પરમાણુ હથિયાર ન હોય તેવી શક્યતા છે. પરંતુ ઓછી તીવ્રતાના પરમાણુ હથિયારો અથવા ખતરનાક પરંપરાગત હથિયારો લગાવી શકાય છે.