રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતના ખાતામાં 5મો મેડલ
Paris Paralympics 2024: ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ત્રીજા દિવસે 5મો મેડલ જીત્યો છે. આ મેડલ ભારતીય પેરા શૂટર રૂબિના ફ્રાન્સિસે જીત્યો છે. રૂબીના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક્સમાં દેશના શૂટરોના મજબૂત પ્રદર્શનને યથાવત રાખતા મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રૂબીના 8 મહિલાઓની ફાઇનલમાં 211.1ના કુલ સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. તે દિવસની શરૂઆતમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી હતી.
No stopping the Indian shooters! 💪
Rubina Francis wins a bronze medal in women's 10m air pistol SH1 event at the Paris 2024 Paralympics. 🙌#Paralympics | #Paris2024 pic.twitter.com/QiDgX0T0Ts
— Olympic Khel (@OlympicKhel) August 31, 2024
શૂટિંગમાં ભારતનો આ ચોથો અને પેરિસ પેરાલિમ્પિક્સમાં કુલ પાંચમો મેડલ છે. અગાઉ પેરિસ પેરાલિમ્પિક્સમાં બીજા દિવસે અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં જીતેલા મહિલા 10 મીટર એર રાઇફલ ગોલ્ડ મેડલનો સફળતાપૂર્વક બચાવ કરીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે તેની દેશબંધુ મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો. તમને જણાવી દઈએ કે, SH1 કેટેગરીમાં એથ્લેટ્સ કોઈપણ મુશ્કેલી વિના પોતાની બંદૂક પકડી શકે છે અને વ્હીલચેર અથવા ખુરશી પર બેસી રહીને અથવા બેસીને શૂટ કરી શકે છે.