January 23, 2025

ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરો… સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનને લીધુ આડેહાથ

Pakistan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી જેલના સળિયા પાછળ છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકારી જૂથે કહ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવા એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. યુએન સંસ્થાએ કહ્યું છે કે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. યુએન વર્કિંગ ગ્રુપે કહ્યું કે ઈમરાન ખાનને મનસ્વી રીતે જેલમાં રાખવામાં આવ્યા છે. તે યોગ્ય છે કે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ વળતર આપવામાં આવે. આ સિવાય તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર મળવો જોઈએ.

યુએન બોડીએ કહ્યું કે કાર્યકારી જૂથે તારણ કાઢ્યું છે કે ઈમરાન ખાનની ધરપકડ માટે કોઈ કાનૂની આધાર નથી. રાજકીય લાભ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેમની સામે બદલાની રાજનીતિ રમાઈ રહી છે. યુએન વર્કિંગ ગ્રુપે 25 માર્ચે જ આ અભિપ્રાય આપ્યો હતો. જો કે, તે એક દિવસ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું. વર્કિંગ ગ્રૂપનો અભિપ્રાય બંધનકર્તા નથી. જો કે તેને એક મહત્વપૂર્ણ ટિપ્પણી માનવામાં આવી રહી છે. પાંચ સભ્યોના કાર્યકારી જૂથે જણાવ્યું હતું કે ઈમરાન ખાન વિરુદ્ધની કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત હતી અને તે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ વિરુદ્ધ દમનના અભિયાનનો એક ભાગ હતો.

આ પણવાંચો:આસામમાં પૂરથી ખરાબ હાલત, ચીની સીમા વિસ્તારો સંપર્કવિહોણા

વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી થઈ હતી અને તે પહેલા ઈમરાન ખાનની ઓગસ્ટમાં જ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ડઝનબંધ કેસોમાં સુનાવણી ચાલી રહી છે. ખાનનું એમ પણ કહેવું છે કે સત્તા માટે રાજકીય બદલાની ભાવનાથી તેમની સામે બનાવટી કેસ દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની એક કોર્ટે હાલમાં જ ઈમરાન ખાનને બે કેસમાં રાહત આપી હતી.

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ વર્કિંગ ગ્રુપે કહ્યું કે ઈમરાન ખાનની પાર્ટીના લોકોની પણ ચૂંટણી પહેલા ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના દિવસે પણ પાકિસ્તાન ચૂંટણી પંચ પર ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા હતા. ઈમરાન ખાન 2022થી મુશ્કેલીમાં છે. તેમને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ વર્ષની સજાને કારણે તેઓ આ વખતે ચૂંટણી પણ લડી શક્યા નથી. જો કે, તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં સામાન્ય ચૂંટણી જીતી હતી.