May 4, 2024

રાખી સાવંતની થશે ધરપકડ! ન મળી સુપ્રીમ કોર્ટથી રાહત

મુંબઈ: રાખી સાવંત અને તેના પૂર્વ પતિ આદિલ ખાન દુર્રાની વચ્ચે ઘણા મતભેદો ચાલી રહ્યા છે. આદિલે રાખી સાવંત પર તેના કેટલાક અંગત વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. રાખી વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી હતી. આ માટે રાખીએ બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી અને તેને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

હવે તે પોતાની અપીલ લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પણ ત્યાં પણ તેને નિરાશા હાથ લાગી. સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે ચાર અઠવાડિયામાં નીચલી કોર્ટમાં સરેન્ડર કરવું પડશે. હવે સુપ્રીમ કોર્ટે પણ રાખીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આવી સ્થિતિમાં તેના પર ધરપકડની તલવાર લટકી રહી છે.

શું છે મામલો?
રાખીએ ડિસેમ્બર 2022માં કહ્યું હતું કે તેણે આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા છે. આદિલે પણ આ વાત સ્વીકારી લીધી હતી. લગ્નના થોડા દિવસો બાદ રાખીએ આદિલ પર ઘરેલુ હિંસા અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. રાખીની ફરિયાદ બાદ પોલીસે આદિલની ધરપકડ કરી હતી. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

આ પછી આદિલે રાખી પર તેના અંગત વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ માટે તેણે એફઆઈઆર નોંધાવી હતી. આદિલની ફરિયાદ બાદ રાખી સાવંત પર IPCની કલમ 500 હેઠળ માનહાનિનો અને IPCની કલમ 34 હેઠળ ગુનો કરવાના ઇરાદા સાથે અશ્લીલ વીડિયો પ્રકાશિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

રાખીએ આ કેસમાં આગોતરા જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. રાખીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ત્યાંથી પણ તેને રાહત ન મળી. અત્યારે રાખી દુબઈમાં છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશ પર તેણે ચાર અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે.