આરોપીઓ તપાસમાં સહકાર નથી આપતા, મોતનો આંકડો વધી શકેઃ વકીલ
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે સુનાવણી ચાલી રહી છે. સરકાર પક્ષે પીપી તુષાર ગોકાણી દલીલ કરી રહ્યા છે.
સરકારી વકીલ પીપી તુષાર ગોકાણી દલીલો કરી રહ્યા છે. તેમણે કોર્ટને જણાવ્યુ હતુ કે, ‘મોતનો આંકડો હજુ વધી શકે છે. લાશના ટુકડાંઓ જ મળ્યા છે. તેમના કેટલા કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ નથી કહી રહ્યા. તપાસમાં આરોપીઓ યોગ્ય સહયોગ નથી આપી રહ્યા. આ દુર્ઘટના સમયે ગેમઝોનના કર્મચારી મેઇન ગેટ બંધ કરી જતો રહ્યો હતો. એક ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ કોઈ ઊભી કરેલી ઘટના નથી.’
આ પણ વાંચોઃ અત્યાર સુધીમાં 9નાં DNA મેચ, મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ
ગેમઝોનની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. બે પ્લોટમાં આખું ગેમઝોન બનાવવામાં આવ્યું હતું. છ લોકોએ ભેગા મળીને આખું ગેમઝોન ઉભું કર્યું હતું. 4 મેના દિવસે એ લોકોએ મહાનગરપાલિકામાં અરજી કરી હતી કે, અમારું આ ગેમઝોન ગેરકાયદેસર છે અને તેને કાયદેસર કરવામાં આવે. હજુ અન્ય માલિકો ફરાર છે.’ તેમણે દલીલ કરતા કહ્યુ કે, આરોપીઓને પૂછવામાં આવે તો તેઓ જણાવે છે કે, માત્ર આગ લાગી હતી બીજું કશું ખબર નથી.
આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા
તેઓ કહે છે કે, ‘5.43 વાગ્યે ગેમઝોનમાં આગ લાગી હતી અને 5.48 વાગ્યે ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ગેમઝોનમાં ફેબ્રિકેશનનું મટિરિયલ હતું. જ્યાં ખૂબ ઇલેક્ટ્રિક વાયર હતા. મનુષ્ય જીવન બચાવી શકે તેવાં કોઈ ફાયરનાં સાધનો નહોતા. ફાયર NOC અમારી પાસે લીધું ન હતું, જે ફાયરકર્મીએ પોલીસના નિવેદનમાં કહ્યું છે. 4મેના દિવસે આરોપીઓએ તેમનું સ્ટ્રક્ચર કાયદેસર કરવા માટે મહાનગરપાલિકામાં અરજી કરી હતી.’
વકીલ આગળ જણાવે છે કે, ‘વેકેશન હોવાના કારણે 99 રૂપિયા એન્ટ્રી રાખી હતી. એક જ પરમિશન લીધી હતી, પોલીસ માટે ફી નક્કી કરવા માટે પરમિશન લીધી હતી. ગેમ ઝોનમાં દેખભાળ રાખવા માટે બે નેપાળી યુવક રાખ્યા હતા જેમાં એક યુવક મૃત્યુ નીપજ્યું છે. વેલ્ડિંગ કરી રહ્યા હતા ત્યાં નીચે થર્મોકોલ સીટ પડી હતી. સતત તણખા પડતા હોવાથી આગ પકડી લીધી હતી. ઉપર છતમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું, તેની બિલકુલ નીચે ફોમના ગાદલાંનો થપ્પો પડ્યો હતો. ફોમમાં આગ લાગવા માટે એક નાનો તણખો પૂરતો છે.’