January 22, 2025

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટનો આદેશ – ફરજ ચૂકનારા અધિકારીઓને છોડવા નહીં

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ સામે આવ્યો છે. તમામ મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાત હાઇકોર્ટે કાયદા પ્રમાણેની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવનારા તમામ અધિકારીઓ તેમજ પોતાની ફરજ પ્રમાણે કામ ન કરનારા તમામ અધિકારીઓની તપાસ કરવા હુકમ આપ્યો છે. ગુજરાતની તમામ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓની તપાસના હુકમ આપવામાં આવ્યા છે. આ તપાસ તાજેતરમાં બનેલી દુર્ઘટનાઓ પૂરતી સીમિત રહેશે નહીં.

હાઇકોર્ટે ગેરકાયદેસર બાંધકામ, ફાયર સેફ્ટી સહિતના મુદ્દે કાયદેસરની ફરજ નિભાવવામાં ચૂક કરનારા તમામ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓની ફરજ ચૂકના કારણે જાહેર સ્થળો લોકો માટે અસુરક્ષિત બન્યા છે. આવી ફરજચૂક કરનારા અધિકારીઓને છોડવા નહીં તેવો પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારના સુપરવિઝનમાં યોગ્ય-કડક તપાસ અને પગલાંના નિર્દેશ આપ્યા છે. શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને 4 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.