May 2, 2024

ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આસામમાં હંગામો, FIRના આદેશ પર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

RAHUL - NEWSCAPITAL

આસામમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ચાલી રહી છે. જેને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે, કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આસામ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા હતા. આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ડીજીપીને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવા કહ્યું છે. પોલીસ કર્મચારીઓને પણ રસ્તા પર ઉતરતા અટકાવવામાં આવી રહ્યા છે.

એફઆઈઆર અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, આસામના સીએમ જે કરી રહ્યા છે તેનાથી યાત્રાને ફાયદો થઈ રહ્યો છે. અમને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. આ રીતે સીએમ અને અમિત શાહ અમને મદદ કરી રહ્યા છે. આ ડરાવવાના પ્રયાસો છે, પરંતુ અમે તેમનાથી ડરવાના નથી. લોકો પૂછી રહ્યા છે કે, જેપી નડ્ડા ગુવાહાટી જઈ શકે છે તો રાહુલ ગાંધી કેમ નથી જઈ શકતા ? હિમંતા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. અહીં ઘણી બેરોજગારી છે.

અમારો સંદેશ લોકો સુધી પહોંચે છે

કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે, અમને ન મળી હોત તેવી પ્રસિદ્ધિ આપીને, આસામના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમને મદદ કરી રહ્યા છે. હવે આસામમાં મુખ્ય મુદ્દો યાત્રાનો છે. આ તેમની ડરાવવાની વ્યૂહરચના છે. અમારો સંદેશો છે ન્યાય જે લોકો સુધી પહોંચી રહ્યો છે. તેમની રણનીતિ પદયાત્રાને મંદિરમાં જતા રોકવાની છે. લોકો તેમને પૂછે છે કે જેપી નડ્ડા અને બજરંગ દળની પદયાત્રા જાય છે પણ અમારી રોકવામાં આવી રહી છે.

આ પણ વાંચો : CM હિમંતાએ DGPને રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા નિર્દેશ આપ્યો, ટોળાને ઉશ્કેરવાનો આરોપ

રામ મંદિરના ઉદ્ઘાટન પર રાહુલ ગાંધીએ શું કહ્યું ?

દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અને રામ લહેર અંગેના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કોઈ લહેર નથી. મેં પહેલા જ કહ્યું છે કે આ ભાજપનો રાજકીય કાર્યક્રમ હતો. અમે અમારી યોજના સમય આવે રજૂ કરીશું. આગામી દિવસોમાં, અમે યુવાનો, ખેડૂતો અને મહિલાઓ માટે ન્યાય માટે અમારો રોડમેપ જાહેર કરીશું.