રેડિયો એક્ટિવ ઉપકરણ કેસ: 5 લાખમાં થઈ હતી ખરીદી, કરોડોમાં વેચવાનો હતો પ્રયાસ: પૂર્વ IT અધિકારી ફરાર
Radioactive Equipment Case: દેહરાદૂનના રાજપૂર વિસ્તારમાં એક ફ્લેટ માંથી મળી આવેલ રેડિયો એક્ટિવ ઉપકરણોના કેસમાં તપાસ બાદ પોલીસ પાંચેય આરોપીઓ વિરુદ્ધ અપરાધની કલમો વધારી દીધી છે. તેની સાથે જ પોલીસ આ મામલે વધુ બે શકમંદોની પૂછપરછ માટે અટકાયત કરી છે. આ કેસમાં પૂર્વ ઇન્કમ ટેક્સ ઓફિસર શ્વેતાભ સુમન વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેઓ હાલ ફરાર છે. આરોપી આ ડિવાઇસને ઊંચા ભાવે વેચીને કરોડોની કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. આરોપીઓએ આગ્રાના એક આરોપી સાથે આ ડિવાઇસની ડીલ કરી રહ્યા હતા.
ગુરુવારે દેહરાદૂનના રાજપુર વિસ્તારમાં ઇન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારીના ઘરે રેડિયોએક્ટિવ મટિરિયલના ઉપકરણોની ખરીદી અને વેચાણનો સોદો ચાલી રહ્યો હતો. માહિતી મળતાં પોલીસે ફ્લેટમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ ઉપકરણો પર નિર્માતાનું નામ બોર્ડ ઓફ રેડિયેશન એન્ડ આઇસોટોપ ટેક્નોલોજી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, BARC/BRIT, વાશી કોમ્પ્લેક્સ સેક્ટર 20 વાશી નવી મુંબઈ લખેલું જોવા મળ્યું હતું. ઘટના સ્થળે નરોરા એટોમિક પાવર સ્ટેશનની ટીમ અને SDRF પણ પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઉપકરણોને ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. જ્યાં શનિવારે તપાસનો રિપોર્ટ આવ્યો હતો. ઉપકરણમાં કોઈપણ ધોરણો વગર કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને જોતા પોલીસે આરોપીઓ સામે કલમો વધારી દીધી છે.
પોલીસ પૂછપરછમાં આરોપી તબરેજ આલમે જણાવ્યું હતું કે તેણે 11 મહિના પહેલા સહારનપુરના રહેવાસી રાશિદ ઉર્ફે સમીર પાસેથી 5 લાખ રૂપિયામાં રેડિયોએક્ટિવ મટિરિયલ ડિવાઈસ ખરીદ્યા હતા. આ ઉપકરણ ઘણું મોંઘું છે, પરંતુ રાશિદને પૈસાની જરૂર હોવાથી તેણે તેને સસ્તામાં વેચી દીધું. ડિવાઇસ ખરીદ્યા બાદ તબરેઝે તેને પોતાના ખેતરમાં છુપાવી દીધું અને તેને વેચવા માટેના પ્રયાસોમાં લાગી ગયો. દરમિયાન દિલ્હીમાં લવ મલ્હોત્રા નામના શખ્સે તેનો પરિચય આગ્રાના રહેવાસી સુમિત પાઠક સાથે કરાવ્યો હતો. સુમિત ઉપકરણ ખરીદવા સંમત થયો. ત્યારબાદ, તેણે તબરેઝને સોદો કરવા માટે દહેરાદૂનમાં તેના ભાડાના મકાનમાં બોલાવ્યો હતો.
IT અધિકારીએ આપી હતી ખાતરી
આ મકાન સુમિતે પૂર્વ આવકવેરા અધિકારી શ્વેતાભ સુમન પાસેથી ભાડા પર લીધું હતું. જ્યારે સુમિતે મકાનમાલિક શ્વેતાભ સુમનને આ સોદા વિશે જણાવ્યું ત્યારે શ્વેતાબે સુમિત પાઠકને ખાતરી આપી કે તે ખૂબ જ પ્રભાવશાળી છે. પોલીસ તેના ઘરે નથી આવી શકતી. ત્યારબાદ, આરોપી તબરેઝ તેની કારમાં ઉપકરણ લઈને દહેરાદૂન આવ્યો હતો. આ દરમિયાન તબરેઝે તેના અને સુમિતના પરિચિત સરવર હુસૈનને સોદો કરવા માટે બોલાવ્યો હતો. સરવર ઝૈદ અલી અને અભિષેક જૈનને સાથે લઈને દૂન આવ્યો હતો. ડિવાઇસની ડીલમાં આ તમામને ભાગ મળવાનો હતો. પાંચ લાખમાં ખરીદેલા આ ઉપકરણમાંથી કરોડોનો નફો કમાવાની વાત ચાલી રહી હતી.
પાંચેય આરોપીઓને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં
પોલીસે ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા છે. આ કેસમાં પોલીસે ઘટનાસ્થળેથી B-8 વિજય નગર આગ્રાના રહેવાસી સુમિત પાઠક, પોલીસ સ્ટેશન બેહત સહનપુર રહેવાસી તબરેઝ આલમ, સરવર હુસૈન રહેવાસી પોલીસ સ્ટેશન રનોલા નવી દિલ્હી, ઝૈદ અલી રહેવાસી પોલીસ સ્ટેશન જહાંગીરાબાદ ભોપાલ અને અભિષેક જૈન કરોલ પોલીસ સ્ટેશન ભોપાલની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે બે શકમંદોની પણ અટકાયત કરી છે.