January 23, 2025

સતત 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બનશે વ્લાદિમીર પુતિન!

અમદાવાદ: રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આજથી એટલે કે 15 માર્ચથી 17 માર્ચની વચ્ચે મતદાન થશે. જો કે આ ચૂંટણીઓને માત્ર ઔપચારિકતા ગણવામાં આવી રહી છે. કારણ કે, વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ બનશે તે વાત નિશ્ચિત છે. રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી આ વખતે ઘણી ખાસ છે. તેના પણ ઘણા કારણો છે. આ ચૂંટણી એવા સમયે થઈ રહી છે, જ્યારે યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે. પુતિન સામે કોઈ મજબૂત વિરોધ નથી.

આ ચૂંટણીમાં પુતિનનો મુકાબલો ત્રણ નેતાઓ – નિકોલાઈ ખારીતોનોવ, લિયોનીદ સ્લુત્સ્કી અને વ્લાદિસ્લાવ દાવાન્કોવ સાથે થશે. જો કે આ ત્રણેયને ડમી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે. મહત્વનું છેકે, આ વર્ષે રશિયમાં પહેલીવાર ત્રણ દિવસ સુધી મતદાન થશે.

રશિયાની ચૂંટણી પ્રક્રિયા
રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા તદ્દન અલગ છે. અહીં રાષ્ટ્રપતિ ‘લોકપ્રિય મત’ દ્વારા ચૂંટાય છે. મતલબ કે જેને 50% થી વધુ મત મળે તે રાષ્ટ્રપતિ છે. જો ત્યાં વધુ ઉમેદવારો હોય અને કોઈને 50% થી વધુ મત ન મળે તો ત્રણ અઠવાડિયા પછી ફરીથી ચૂંટણી યોજવામાં આવે છે. જેમાં ફક્ત ટોપ-2 ઉમેદવારો જ ચૂંટાય છે. એ બાદ ચૂંટાયેલા બેમાંથી એક રાષ્ટ્રપતિ બને છે. મહત્વનું છેકે, આ વખતે પુતિનની સામે કોઈ મજબુત વિરોધી નથી.

પુતિનનું જીતવું નિશ્ચિત છે?
પુતિન અત્યાર સુધીમાં ચાર વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. દરેક ચૂંટણીમાં તેમની મત ટકાવારી અગાઉની સરખામણીમાં વધી છે. પુતિન વર્ષ 2000માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. એ સમયે તેમને 54% મત મળ્યા હતા. એ બાદ તેમને 2004માં 72% અને 2012માં 65% વોટ મળ્યા. 2018ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિને 77% મત મેળવ્યા હતા.

ન્યૂઝ એજન્સી અનુસાર, 71 વર્ષીય પુતિન રશિયામાં ‘કડક નેતા’ ની છબી ધરાવે છે. જે તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ છે. યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન પુતિન પર ભલે ‘યુદ્ધ અપરાધો’ નો આરોપ લગાવવામાં આવ્યો હોય, પરંતુ રશિયાની મોટા ભાગની વસ્તી તેમને સમર્થન આપી રહ્યા છે. રશિયનો માને છે કે પુતિન જ એવા નેતા છે. જે અમેરિકા અને યુરોપ જેવા પશ્ચિમી દેશોને જડબાતોડ જવાબ આપી શકે છે. મહત્વનું છેકે, ફેબ્રુઆરીમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 75 ટકા રશિયનોએ કહ્યું હતું કે, તેઓ પુતિનને મત આપશે.

પુતિનના જીતના અન્ય કારણો
વ્લાદિમીર પુતિનની જીતનું એક કારણ એ છે કે તેમની સાથે સ્પર્ધા કરવા માટે કોઈ મોટો નેતા નથી. અત્યારે રશિયામાં ખરેખર એવો કોઈ નેતા નથી જે પુતિન સાથે સ્પર્ધા કરી શકે. પુતિનનો વિરોધ કરનારા મોટાભાગના નેતાઓ મૃત્યુ પામ્યા છે અથવા તો તેમને દેશનિકાલ મળ્યો છે.

ગયા મહિને જ પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવલ્નીનું આર્કટિક જેલમાં મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે માત્ર નવલ્ની જ પુતિન સાથે સ્પર્ધા કરી શકે છે. નવલ્ની ઉપરાંત ખાનગી આર્મી ચીફ યેવજેની પ્રિગોઝિન પણ પુતિનના મોટા હરીફ માનવામાં આવતા હતા, પરંતુ થોડા મહિના પહેલા જ પ્રિગોઝિનનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું હતું. આ બંને સિવાય પુતિનના અન્ય એક વિરોધી ઉભરી રહ્યા હતા. જેનું નામ છે બોરિસ નાદેઝદિન, પરંતુ ચૂંટણી પંચે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેતા અટકાવ્યા હતા.