January 23, 2025

એપ્રિલમાં મેની ગરમી

Prime 9 With Jigar: ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ પહેલાં કમોસમી વરસાદ પડ્યો હતો અને હવે અચાનક કાળઝાળ ગરમી પડવા માંડી છે. સામાન્ય રીતે ગુજરાતમાં મે મહિનો સૌથી ગરમ હોય છે. જોકે, આ વખતે એપ્રિલમાં જ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય એવી હાલત છે. જેના કારણે મંગળવારે જ ગુજરાતમાં 14 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ જતાં લોકો ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોય એવી હાલત થઈ ગઈ. મંગળવારે અમરેલી 44 ડિગ્રી સેલ્સિયસ સાથે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, દેશનાં પાંચ સૌથી ગરમ શહેરો ગુજરાતનાં જ હતાં. ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઇ ગયું હતું પણ ગુજરાતનાં તો 4 શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર હતું.આ બધાં શહેરો સૌરાષ્ટ્રનાં છે કે જ્યાં દરિયાકિનારો નજીક હોવાથી તાપમાન ઓછું રહેવું જોઈએ પણ ત્યાં પણ તાપમાન બહું ઉંચું રહ્યું. ભારતમાં સામાન્ય રીતે હીટ-વેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળતી હોય છે.

આ વખતે માર્ચ મહિનાના અંતથી બલૂચિસ્તાન તરફથી ગરમ પવન ફૂંકાવા માંડતાં એપ્રિલ મહિનામાં હીટ-વેવની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને હજુ તો આ ટ્રેલર છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કાળઝાળ ગરમી પડે છે. મે-જૂન મહિનામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી થઈ જાય અને લોકોની હાલત બગડી જાય એવું બને જ છે તેથી આપણા માટે ગરમી નવી વાત નથી પણ એપ્રિલમાં આવી ગરમીની લોકો અપેક્ષા નથી રાખતા. સામાન્ય રીતે મે મહિનામાં મોટા ભાગના વિસ્તારોમાં બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સ્વયંભૂ કરફ્યુ જેવી હાલત થઈ જતી હોય છે. આ વખતે એપ્રિલ મહિનાથી જ એ સ્થિતિ સર્જાવા માંડી છે. જોકે, ગુજરાતીઓએ એપ્રિલમાં આવી કાળઝાળ ગરમીનો અનુભવ પહેલાં પણ કર્યો છે.

હીટવેવનો હાહાકાર

  • ગુજરાતમાં છેલ્લે કાળઝાળ ગરમી 2019માં પડી હતી.
  • 17 એપ્રિલે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું.
  • 17 એપ્રિલ 2019ના રોજ મોડાસામાં 48 ડિગ્રી તાપમાન.
  • બપોરે ત્રણ વાગ્યાની આસપાસ 48 ડિગ્રી તાપમાન નોંધાયું.
  • રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો.
  • 17 એપ્રિલે જ બનાસકાઠાના વાવમાં પણ 47 ડિગ્રી તાપમાન.
  • અમદાવાદમાં નોંધાયું હતું 45 ડિગ્રી તાપમાન.
  • સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું હતું

ગુજરાતમાં ગરમી નવાઈની વાત નથી પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગરમી લોકોને ત્રાહિમામ કરાવી રહી છે. શું છે તેનું કારણ ?
આ કાળઝાળ ગરમી માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે.

  1. પહેલું કારણ
    વધતી વસતીના પ્રમાણમાં ગ્રીન કવરમાં નજીવો વધારો
  2. બીજું કારણ
    બેફામ શહેરીકરણ
  3. ત્રીજું કારણ
    કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ખૂબ વધારો

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા સર્વે કરીને 2021-22ના વર્ષમાં ભારતમાં જંગલ વિસ્તાર કેટલો હતો તેના આંકડા બહાર પાડ્યા હતા.

ભારતમાં ફોરેસ્ટ કવર

  • ભારતમાં કુલ જમીનમાંથી જંગલ વિસ્તાર 21.71%.
  • સૌથી વધુ જંગલ વિસ્તાર MPમાં.
  • MPમાં કુલ જમીન વિસ્તારના 24.62% વિસ્તારમાં જંગલો.
  • સૌથી ઓછો જંગલ વિસ્તાર હરિયાણામાં.
  • હરિયાણામાં કુલ જમીન વિસ્તારના 3.63% વિસ્તારમાં જંગલો.
  • ગુજરાતમાં કુલ જમીનના 11.14% વિસ્તારમાં જંગલો

મધ્ય પ્રદેશ સાથે તો સરખામણી શક્ય જ નથી પણ દેશમાં સરેરાશ જંગલ વિસ્તાર કરતાં પણ લગભગ અડધો જંગલ વિસ્તાર ગુજરાત ધરાવે છે. ગુજરાતમાં વનોની સ્થિતિ અત્યંત ગંભીર છે. ગુજરાતમાં આદર્શ રીતે 33 ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ. ગુજરાતની વસતી 7 કરોડ છે એ જોતાં 40 ટકા જંગલ પણ ઓછા પડે પણ તેના બદલે માત્ર 11 ટકા વિસ્તારમાં જંગલો એટલે કે લીલોતરી છે. તેના કારણે પણ ગરમી વધી રહી છે.

ભારતમાં ફોરેસ્ટ કવર

  • કચ્છ જિલ્લામાં 45,652 ચોરસ કિલોમીટર.
  • ગુજરાતમાં લગભગ ત્રીજા ભાગના વિસ્તારમાં રણ.
  • ગાઢ જંગલો ગુજરાતમાં ખૂબ જ ઓછા.
  • ગુજરાતમાં માત્ર 114 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ગાઢ જંગલો.
  • ગુજરાતમાં 1991માં 4.13 કરોડની વસતી હતી.
  • અત્યારે ગુજરાતની વસતી 7 કરોડથી વધુ હોવાનો અંદાજ.
  • ગુજરાતની વસતીમાં 23 વર્ષમાં 75 ટકાનો વધારો.
  • 2001માં 19014 ચોરસ કિલોમીટરનો વન વિસ્તાર.
  • ગુજરાતમાં વન વિસ્તારમાં માત્ર 15%નો વધારો

આ આંકડામાં 2001ની સરખામણીમાં વધારો થયો હોવાનું લાગે પણ રસપ્રદ વાત એ છે કે, 2015-16માં રાજ્યમાં કુલ જમીનના 11.36 ટકા વિસ્તારોમાં જંગલો હતાં. જે ઘટીને 11.14 ટકા થયો છે. આ આંકડા 2021 સુધીના છે. એટલે એનો મતલબ એ થયો કે, વન વિસ્તાર ત્રણ વર્ષમાં 440 ચોરસ કિલોમીટર જેટલો ઘટયો છે. ગુજરાતમાં શહેરીકરણનો પણ અતિરેક થઈ ગયો છે.

શહેરીકરણનો અતિરેક
1901ની વસતી ગણતરી.
11.4% વસતી શહેરોમાં રહેતી.
2001ની વસતી ગણતરી.
28.53% વસતી શહેરોમાં રહેતી.

શહેરીકરણનો અતિરેક
ભારતની 34% વસતી શહેરોમાં.
એક સદીમાં પ્રમાણ બમણાથી પણ વધારે થઈ ગયું.
વર્લ્ડ બેંકનો અંદાજ.
2030 સુધીમાં ભારતની 40% વસતી શહેરોમાં રહેતી હશે.

ભારતનાં વધી રહેલા શહેરીકરણને વર્લ્ડ બેંક ખતરનાક ગણાવે છે. ગુજરાતમાં તો દેશ કરતાં વધારે ઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે.

શહેરીકરણનો અતિરેક
ગુજરાતની લગભગ 50% વસતી શહેરોમાં.
ગુજરાતમાં ગામડાં તૂટી રહ્યાં છે અને શહેરોમાં વધારો.
2001ની વસતીગણતરી મુજબ 32% વસતી શહેરોમાં.

વર્લ્ડ બેંકનો અંદાજ છે કે, 2030 સુધીમાં ભારતની 40 ટકા વસતી શહેરોમાં વસતી હશે અને તેમાં ગુજરાત મોખરે હશે. ગુજરાતની 60 ટકા વસતી શહેરોમાં વસતી હશે. ગુજરાતમાં શહેરોનો વિસ્તાર કરવા માટે વિકાસના નામે ગામડાં તોડાઈ રહ્યાં છે અને સાથે સાથે દૂર દૂરનાં ગામડાંમાંથી જંગી પ્રમાણમાં વસતી શહેરોમાં ઠલવાઈ રહી છે. વધતા શહેરીકરણના સંદર્ભમાં સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે શહેરી વિસ્તારમાં ગીચ વસ્તી છે ત્યાં વન વિસ્તાર કહેવા પૂરતો રહી ગયો છે.

શહેરીકરણનો અતિરેક
અમદાવાદ જિલ્લો
7170 ચોરસ કિલોમીટરના વિસ્તાર.
107 ચોરસ કિલોમીટરમાં ટ્રી કવર.

રાજકોટ જિલ્લો
7550 ચોરસ કિલોમીટરનો વિસ્તારમાં.
171 ચોરસ કિલોમીટર ટ્રી કવર.

શહેરીકરણનો અતિરેક

  • વાહનો અને ઉદ્યોગોનું વધારે પ્રમાણ.
  • કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ.
  • ગુજરાતમાં ત્રણ કરોડથી વધારે વાહનો.
  • દરેક વાહનદીઠ 100 વૃક્ષ હોવાં જોઈએ.
  • ગુજરાતમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન કરતાં પાવર સ્ટેશન.

આ બધાંના કારણે પેદા થતો કાર્બન ડાયોક્સાઇડ શોષવા માટે જરૂરી વૃક્ષો જ નથી. વૃક્ષો આપણી લાઇફલાઇન છે કેમ કે વૃક્ષો ઓક્સિજન પેદા કરે છે.ગુજરાતમાં વૃક્ષોનું ઓછું પ્રમાણ વધતી ગરમી માટેનું સૌથી મોટું પરિબળ છે. કેમ કે વૃક્ષો કાપીને શહેરીકરણ કરાય છે. હવામાન નિષ્ણાતો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા ભારેખમ શબ્દોને હવામાનમાં પલટા માટે જવાબદાર ગણાવે છે. આ વાત સાચી છે પણ ગ્લોબલ વોર્મિંગમાં ઘણી બધી બાબતો આવે છે. એ બધી બાબતોના કારણે પ્રદૂષણ વધે છે અને તાપમાન પણ વધે છે. ભારતમાં પણ એ બધી અસરો વર્તાઈ જ રહી છે પણ અત્યારે મુખ્ય સમસ્યા અસહ્ય ગરમીની છે. અસહ્ય ગરમીની સમસ્યા માટે પણ દરેક દેશમાં અલગ અલગ કારણ જવાબદાર હોય છે.ભારતનો સવાલ છે તો જંગલોમાં ઘટાડો અને વધતું શહેરીકરણે મુખ્યત્વે જવાબદાર છે અને ગુજરાતમાં તો સૌથી મોટી સમસ્યા જ એ છે.ગુજરાતમાં સરકાર શું કરે છે એ પણ સમજવું જરૂરી છે. કોઈ પણ વિચાર કર્યા વિના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને મંજૂરી આપી દેવાય છે.ગુજરાતમાં નાની નાની શેરીઓમાં પણ પાંચ-છ માળના બિલ્ડિંગ બની શકે તેવી છૂટ આપી દેવાય છે પણ ત્યાં વૃક્ષો વાવવાના નિયમનું પાલન કરાતું નથી. બાંધકામ નિયમોમાં બાંધકામ વિસ્તાર મુજબ નિયત સંખ્યામાં છોડ રોપ્યા હોવા જોઈએ એ શરત પણ છે પણ આ શરત માત્ર કાગળ પર છે.ઓનલાઈન બિલ્ડિંગ પરમિશનમાં ફરજિયાત અનુસરવાના નિયમોમાં આ શરતને બાકાત રાખી દેવાતાં કોમ્પલેક્સ, હાઇરાઇઝ બિલ્ડિંગ અને સરકાર દ્વારા બ્રિજ સહિતના કોંક્રિટના બાંધકામો અને ગીચતા વધારે છે. એના પ્રમાણમાં વૃક્ષારોપણ થતું નથી. વૃક્ષારોપણ માટે નજીવી રકમની ડિપોઝિટ લેવાય છે. વૃક્ષ છેદન માટે ગુજરાતમાં કડક જોગવાઈ નથી અને ખૂદ તંત્ર વૃક્ષો કાપતું રહ્યું છે.

શું કરવું જોઈએ?

  • ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ આપવો પડે.
  • નાનાં ટાઉનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજનની સેવાઓ ઉભી કરવી.
  • ગ્રામીણ વિસ્તારોમાં જંગી પ્રમાણમાં રોજગારી ઊભી કરવી.
  • ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું પડે.

જંગલોના નાશને નહીં રોકવામાં નહી આવે તો એક સમય એવો આવીને ઉભો રહેશે કે પૃથ્વી પર એક પણ ઝાડ ઉભું નહી રહે. તેના કારણે જે પર્યાવણીય અસમતુલન પેદા થશે તે માનવજાતને ખતમ કરી નાખશે. તેથી જંગલોના વિનાશને રોકવો જરૂરી છે અને સાથે સાથે વન વિસ્તાર પણ વધારવો પડે. બાકી આપણે બધાં ગરમીમાં શેકાઈને જ મરી જઈશું.