November 14, 2024

રાજા બનો પણ રફ્તારના નહીં

Prime 9 With Jigar: યુવાનોને સ્પીડનો નશો હોય છે. જોકે, આ નશો જીવ પણ લઈ શકે છે. મુંબઈમાં શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મીહિર શાહની ધટનાની ખૂબ ચર્ચા થઈ હતી. તેણે લક્ઝ્યુરિયસ બીએમડબલ્યુ કાર ઓવરસ્પીડે ચલાવીને એક મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પહેલાં પૂણેમાં બિલ્ડર વિશાલ અગ્રવાલના પુત્ર વેદાંત અગ્રવાલે પોર્શ કાર બેફામ સ્પીડે ચલાવીને બે સોફ્ટવેર એન્જીનિયરોને મારી નાંખ્યા હતા. ગુજરાતમાં પણ તથ્ય પટેલ નામના બિલ્ડરના દીકરાએ બેફામ સ્પીડે લક્ઝ્યુરિયસ કાર ચલાવીને 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ત્રણેય ઘટનાઓ અલગ અલગ શહેરની છે પણ ત્રણેય ઘટનામાં કોમન વાત ઓવર સ્પીડિંગની છે.

ઓવર-સ્પીડિંગ વિરુદ્ધ એક્શન

  • વાસ્તવમાં ઓવર-સ્પીડિંગ મોટી સમસ્યા
  • અમદાવાદમાં ઓવર-સ્પીડિંગના કિસ્સામાં સતત વધારો
  • કાયદા પ્રમાણે ઓવર-સ્પીડિંગ બદલ દંડની વસૂલાત
  • ઓવર-સ્પીડિંગની ઘટનાઓ બંધ જ થતી નથી
  • અમદાવાદમાં જ છેલ્લા છ મહિનામાં નોંધપાત્ર કામગીરી થઈ
  • ટ્રાફિક પોલીસે નિયમ મર્યાદા કરતાં વધારે ઝડપ માટે ઝુંબેશ ચલાવી
  • ડ્રાઇવરો પાસેથી 9.03 કરોડ રૂપિયાના દંડની વસૂલાત
  • 2024ના છ મહિનામાં ઓવર-સ્પીડિંગના 45,912 કેસ
  • દંડ ફટકારીને ચલણ જારી કરવામાં આવ્યા
  • 2021માં અમદાવાદ RTOએ આખા વર્ષમાં 9.21 કરોડનો દંડ વસૂલ્યો
  • વર્ષે પહેલા છ મહિનામાં જ આંકડો 9 કરોડને પાર થઈ ગયો
  • ત્રણ વર્ષમાં જ ઓવર-સ્પીડિંગના કારણે દંડની વસૂલાત બમણી
  • સુભાષ બ્રિજ RTOએ આ છ મહિનામાં નોંધપાત્ર કામગીરી કરી
  • ઓવર-સ્પીડિંગ માટે 477 ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા

આ આંકડા માત્ર અમદાવાદ શહેરના છે અને સુભાષબ્રિજ RTOના છે પણ એના પરથી ગુજરાતમાં પણ ઓવર સ્પીડિંગ કેટલી મોટી સમસ્યા છે એનો અંદાજ આવી જાય છે.

રાજકોટમાં પગલાં લેવાયાં

  • રાજકોટમાં પણ જિલ્લા RTO કચેરીએ જૂન મહિનામાં ઝુંબેશ ચલાવી
  • હાઇવે ઉપર ચેકિંગ કરીને 403 જેટલાં વાહનોને ઝડપી લીધાં
  • ઓવર-સ્પીડ અને ભયજનક રીતે ડ્રાઇવિંગ કરવા બદલ એક્શન
  • વાહન ચાલકોને 8.05 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

વાહનોના કારણે થતા અકસ્માતોમાં 90 ટકાથી વધારે જીવલેણ અકસ્માતો માટે વધારે પડતી ઝડપ જવાબદાર હોય છે અને રોડ અકસ્માતમાં મરનારા પૈકી 95 ટકા ઓવર સ્પીડિંગના કારણે થતા અકસ્માતોના કારણે મરે છે એવું સત્તાવાર આંકડા કહે છે.

ગુજરાતમાં અકસ્માતોની ભયાનક સ્થિતિ

  • માર્ગ અકસ્માતોની યાદીમાં દેશનાં રાજ્યોમાં ગુજરાત દસમા ક્રમે
  • 2022માં ગુજરાતમાં 15,751 માર્ગ અકસ્માતો
  • 7,618 વ્યક્તિઓએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા
  • 7,236 લોકોનાં મોત ઓવર-સ્પીડિંગને કારણે થયાં
  • 6,999 લોકોના ઘટનાસ્થળે જ મોત
  • ઓવર-સ્પીડિંગના કારણ હીટ એન્ડ રનના કેસો પણ વધ્યા
  • 2022માં ગુજરાતમાં 2,209 હિટ-એન્ડ-રન
  • 2022માં હિટ-એન્ડ-રનથી 1,429 લોકોનાં મોત

ગુજરાતમાં કયાં વર્ષોમાં કેટલા લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો એના આંકડા જાણીએ.

આમ 2017થી 2022ના પાંચ વર્ષના ગાળામાં જ ગુજરાતમાં 36,626 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યાં છે. આ પૈકી 90 ટકા એટલે કે લગભગ 33 હજારથી વધારે લોકોના જીવ ઓવર-સ્પીડિંગના કારણે થયા. આ આંકડા જ ઓવર-સ્પિડિંગ કોઈ ખતરનાક રોગ કરતાં પણ વધારે જીવલેણ છે એ સાબિત કરે છે. કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે ને જેટલાં લોકોનાં મોત થાય તેનાથી વધારે મોત તો ઓવર-સ્પીડીંગના કારણે થઈ જાય છે. ઓવર સ્પીડિંગની ઘટનાઓ વધે છે તેનાં ઘણાં કારણો છે.

ઓવર-સ્પીડિંગનાં કારણો

  • બેફામ સ્પીડે લક્ઝ્યુરિયસ કાર ભગાવે છે નબીરા
  • તમામ પ્રકારનાં વાહનો કરે છે ઓવર-સ્પીડિંગ
  • AMTS કે BRTSની જાહેર પરિવહન નિગમની બસો
  • ટ્રકો, ટ્રેલર્સ સહિત તમામ વાહનો કરે છે ઓવર-સ્પીડિંગ
  • ઓવર-સ્પીડિંગના કારણે થતાં મોતનું સૌથી મોટું કારણ ભારે વાહનો
  • વધતી વસતીની જરૂરિયાતોને પહોંચી વળવા કૉમર્શિયલ પ્રવૃત્તિમાં પણ વધારો
  • કૉમર્શિયલ પ્રવૃત્તિ હોય ત્યાં ઝડપથી પહોંચવાની ઉતાવળ હોય
  • એના કારણે ઓવર-સ્પીડિંગથી થતા અકસ્માતોની સંખ્યામાં વધારો

જીવલેણ અકસ્માતો થવાનાં કારણો

  • સૌથી મહત્ત્વનું કારણ વાહનચાલકની બેદરકારી
  • ઓવર-સ્પીડિંગ આવી જ એક બેદરકારી

તમને જાણીને આશ્ચર્ય થશે પણ ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સના ઓવર સ્પીડિંગના કારણે થતાં મોતની સંખ્યા લક્ઝુરિયસ કારના ઓવર સ્પીડીંગના કારણે થતાં મોતથી વધારે છે. લક્ઝુરીયસ કારના અકસ્માત તરત નજરે ચડે છે જ્યારે આ નાનાં વાહનોના અકસ્માત નજરે નથી ચડતા એટલો ફરક છે. આ સિવાય ખામીયુક્ત રોડ-રસ્તાઓ અને રસ્તાનો ઉપયોગ કરનારા લોકોની સ્પીડના નિયમોની સાથે સાથે સેફ્ટી નિયમોનું પાલન નહીં કરવાની વૃત્તિ પણ ઓવર સ્પીડિંગ માટે અકસ્માતો થવા પાછળ જવાબદાર છે.

ભારતમાં ક્યા વાહનને કેટલી સ્પીડે ચલાવવું એ અંગે કાયદા છે પણ ગતિ મર્યાદાના નિયમો રાજ્ય અને વાહનના પ્રકાર પ્રમાણે બદલાય છે.

સ્પીડની લિમિટ

  • રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સેટ કરી મર્યાદા
  • એક્સપ્રેસવે પર મહત્તમ ગતિ મર્યાદા 120 કિમી પ્રતિ કલાક
  • નેશનલ હાઈવેઝ માટે 110 કિમી પ્રતિ કલાક
  • શહેરી વિસ્તારોમાં અંદરના માર્ગો માટે પણ લિમિટ
  • M1 શ્રેણીના વાહનો માટે 70 કિમી પ્રતિ કલાક
  • M1 શ્રેણીમાં કાર સહિતનાં મોટાભાગના પેસેન્જર વાહનો સામેલ
  • 8 કરતાં ઓછી બેઠકો હોય તો M1 શ્રેણીનાં વાહનો કહેવાય

ભારતમાં ઓવર-સ્પીડિંગ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન હોવાથી રાજ્ય સરકારો પોતે એક સામાન્ય ગતિ મર્યાદા નક્કી કરી શકે છે. આ નિયમ પ્રમાણે, 2019માં ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. વાહન વ્યવહાર વિભાગના આદેશ પ્રમાણે રાજ્યમાં 120ની સ્પીડ કરતા વધુ સ્પીડે કોઈ પણ વાહન ચલાવી શકાતું નથી અને તેનાથી વધારે સ્પીડે વાહન ચલાવો તો ઓવર સ્પીડનો ગુનો લાગુ પડે. આ આદેશમાં શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર દરેક વાહનો માટે અલગ-અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્પીડની લિમિટ

  • રાજ્યમાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીની સ્પીડ લિમિટ 120 કિમી પ્રતિ કલાક
  • નેશનલ હાઈવે પર 100 કિમી પ્રતિ કલાક
  • સ્ટેટ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ
  • મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી વિસ્તારમાં 65 કિમી પ્રતિ કલાક
  • ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર 50 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા

માલસામાનની હેરફેર કરતાં વાહનો માટે લિમિટ

  • એક્સપ્રેસ હાઇવે પર 80 કિમી પ્રતિ કલાક
  • નેશનલ હાઇવે પર 80 કિમી પ્રતિ કલાક
  • સ્ટેટ હાઇવે પર 70 કિમી પ્રતિ કલાક
  • કોર્પોરેશનના શહેરી વિસ્તાર માટે લિમિટ 60 કિમી પ્રતિ કલાક
  • ગ્રામ્ય વિસ્તારના રોડ પર 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ

રાજ્ય સરકાર ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતનાં સ્થાનિક સત્તામંડળો પણ કેન્દ્રીય મંત્રાલય દ્વારા નિર્ધારિત કરતાં ઓછી ગતિ મર્યાદા નક્કી કરી શકે છે. ગુજરાતમાં ઘણે સ્થળે એવું કરાયેલું જ છે. શહેરી વિસ્તારોમાં રોડ પર M1 શ્રેણીના વાહનો માટે 70 કિમી પ્રતિ કલાકની ઝડપ નક્કી કરાયેલી છે પણ ઘણા રોડ પર 40 કિમો પ્રતિ કિલોમીટરની મહત્તમ ઝડપ પણ નક્કી થયેલી છે. સ્કૂલ, કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ કે બીજાં સ્થળ પાસે તેનાથી ઓછી સ્પીડની મર્યાદા નક્કી થયેલી છે.

અમદાવાદમાં સ્પીડની લિમિટ

  • ટુ-વ્હીલર માટે પ્રતિ કલાક 60 કિલોમીટર
  • ફોર વ્હીલર માટે પ્રતિ કલાક 40 કિલોમીટર
  • આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ માટે 70 કિલોમીટર પ્રતિ કલાક
  • ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ માટે 60 કિલોમીટર પ્રતિ કલાક
  • ટ્રેક્ટર માટે 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લિમિટ
  • પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ શહેરી વિસ્તારમાં 60 કિલોમીટર પ્રતિ કલાક
  • કેબ માટે 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરાઈ

દરેક શહેર માટે અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી થયેલી છે. આ સ્પીડ કરતાં વધારે ઝડપે વાહન ભગાવનારને સજાની જોગવાઈ પણ છે.

ઓવર-સ્પીડિંગ બદલ શું એક્શન લેવાય ?

  • નવા મોટર વ્હીકલ એકટની કલમ 184 મુજબ ગુનો નોંધાય
  • 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ વસુલી શકાય
  • ભયંકર ડ્રાઈવિંગ કરીને કોઈને ઈજા પહોંચાડો તો સજા
  • છ મહિનાથી એક વર્ષ સુધીની જેલ
  • 1000થી 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે
  • પહેલો અપરાધ હોય તો 2 વર્ષની જેલ
  • 10000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે
  • ફરી પકડાય તો લાઇસન્સ કેન્સલ થઈ શકે

આ સજા અને દંડ માત્રને માત્ર વધારે સ્પીડે વાહન ચલાવવા બદલ કરાય. ઓવર-સ્પિડિંગ કરીને કોઈનું મોત નિપજાવો તો પછી મોટર વ્હીકલ એક્ટની કલમની સાથે સાથે આઈપીસીની કલમો પણ લાગે છે. આઈપીસીની કલમો લાગે એટલે વધારે સજા થતી હોય છે.

કાયદો શું કહે છે ?

  • કલમ 304(2)-સદોષ માનવવધની કલમ
  • જેના માટે 10 વર્ષ સુધીની જેલની સજા
  • કલમ 299-કલ્પેબલ હોમિસાઈડ નોટ ઈન્ટેડેડ ટુ મર્ડર
  • હત્યાના ઇરાદાથી માનવ વધ નથી કરાયો

2002ના હિ‌ટ એન્ડ રન કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સામે મહારાષ્ટ્ર સરકારે કલમ 304 (2) હેઠળ સદોષ માનવવધ (કલ્પેબલ હોમિસાઇડ)નો કેસ નોંધ્યો હતો.

સલમાન સામે પહેલાં બેદરકારીથી ગાડી ચલાવવા બદલ કલમ 304 (1) હેઠળ કેસ ચાલતો હતો. આ અપરાધ માટે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઇ હોવાથી મહારાષ્ટ્ર સરકારે કલમ 304 (2) લગાવી. કેમ કે આ કલમ હેઠળ મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે.કાનૂની રીતે જોઈએ તો ઓવર-સ્પીડિંગ માટે સજા અને દંડની જોગવાઈ છે. છતાં ઓવર-સ્પીડિંગની ઘટનાઓ વધી રહી છે. જેનું કારણ એ છે કે, સજા કે દંડ જે પણ થાય એ તાત્કાલિક થતાં નથી. અત્યારે જે સિસ્ટમ છે તેમાં કોઈ વ્યક્તિ શહેરી વિસ્તારમાં જ બેફામ સ્પીડે કાર ચલાવે તો પણ એ અકસ્માત ના સર્જે ત્યાં સુધી તાત્કાલિક તો કંઈ થતું જ નથી. અત્યારે સીસીટીવીના આધારે ટ્રાફિક પોલીસ ઓવર-સ્પીડિંગ કરનારને મેમો મોકલે છે ને દંડ ભરાવે છે. ધનિકોનાં સંતાનોને આ પ્રકારના દંડથી કોઈ ફરક પડતો નથી. એ લોકો દંડ ભરીને મેમોથી છૂટકારો મેળવી લે છે. બીજાં વાહનોવાળા પણ મેમોને બહુ ગણકારતા નથી.

સ્થિતિ બદલવા શું કરવું જોઈએ ?

  • વધારે પ્રમાણમાં ટ્રાફિક પોલીસને ઉતારવી પડે
  • CCTV કેમેરાની હાજરીની અસર
  • રસ્તા પર ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો
  • રસ્તાઓ પર પોલીસની હાજરી વધુ હોય ત્યારે અકસ્માતો ઘટે
  • પોલીસ હાજર હશે તો પકડશે એ ડરે લોકો લિમિટમાં રહે
  • અમદાવાદ સહિતનાં શહેરોમાં સ્પીડ ગન સાથેના કેમેરા લગાવાયા
  • અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સ્પીડ ગન
  • ઓવર-સ્પીડિંગ બદલ આ સ્પીડ ગનના આધારે મેમો મોકલાય
  • ઓવર-સ્પીડિંગ બદલ US ટેકનોલોજી આધારિત સ્પીડ ગન પણ લગાવાઈ
  • રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સ્પીડ ગનનો ઉપયોગ
  • ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું
  • મોટા ભાગના અકસ્માત ઓવર-સ્પીડના કારણે થતા હોવાનું બહાર આવ્યું

પાંચ વર્ષ પહેલાં 3.90 કરોડ રૂપિયાના ખર્ચે US બનાવટની અદ્યતન ટેક્નોલોજી આધારિત 39 સ્પીડગન ખરીદીને 5 સ્પીડગન અમદાવાદને ફાળવવામાં આવી હતી.

સ્પીડ ગન કેવી રીતે કરે છે કામ ?

  • 10 લાખ રૂપિયાની હાઈટેક સ્પીડ ગન
  • એક સેકન્ડમાં 3 વાહનોની એક કિલોમીટર દૂરથી જ સ્પીડ માપી શકે
  • સ્પીડ ગનની રેન્જ 320 કિમી પ્રતિકલાક સુધીની
  • ઓવર-સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો મોકલાય
  • સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને આપી શકાય
  • સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વીડિયો રેકોર્ડિંગ પણ સ્ટોર થયા કરે
  • ઓવર સ્પીડને લગતા અપરાધના પુરાવા પણ સ્પીડ ગનમાંથી મળે

બેંગ્લોર પોલીસે ઓવરસ્પીડિંગને રોકવા માટે બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવે પર હાઈ-સ્પીડ કાર માટે અલગ ફાઈન સિસ્ટમ લાગુ કરી છે. બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વે પર હાઈ-સ્પીડિંગ વાહનોના કારણે થતા અકસ્માતોને કારણે પોલીસે 120 કિલોમીટર પ્રતિ કલાકના 100 કિમી પ્રતિ કલાકની ઝડપની મર્યાદા નક્કી કરી છે. આ ઉપરાંત 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરતા વાહનોના FASTag ખાતામાંથી દંડની રકમ સીધી જ કાપી લેવાય છે. આ સિવાય ઇન્ટરસેપ્ટર અને અન્ય સલામતી ઉપકરણોનો ઉપયોગ કરીને ટ્રાફિક પોલીસ ઓવરસ્પીડિંગ કરનારાંને દંડે છે પણ તેના કારણે બહુ ફરક પડતો નથી.

સ્થિતિ કેવી રીતે બદલી શકાય ?

  • આકરો કાયદો બનાવવો જોઈએ
  • હળવા કાયદાનો લોકોને ડર નથી રહ્યો
  • ઓછામાં ઓછો 2000 રૂપિયા દંડ થવો જોઈએ
  • પ્રતિકાત્મક રીતે પણ એક-બે દિવસની સજા કરવી જોઈએ
  • ભારતીય સમાજમાં હજુ પણ લોકોને જેલમાં જવાનો ડર
  • જેલમાં જવાથી સામાજિક પ્રતિષ્ઠા જોખમાશે એવી માન્યતા
  • સજાની જોગવાઈ કરાય તો તેની ચમત્કારિક અસર થશે
  • જેલમાં જવાના ડરે લોકો વાહન બેફામ સ્પીડે નહીં ભગાવે

કાનૂની નિષ્ણાતોના મતે, ઓવર સ્પીડિંગના કેસમાં લાંબી કાનૂની પ્રક્રિયા પણ નથી. સીસીટીની કેમેરા સાથેની સ્પીડ ગન જ પુરાવો છે તેથી ઓવર-સ્પીડિંગ કરનારને તાત્કાલિક કોર્ટમાં રજૂ કરીને જેલભેગો કરી શકાશે. અમેરિકામાં આ પ્રકારના કાયદા અમલમાં છે. અમેરિકામાં કોઈ વ્યક્તિ નક્કી કરેલી સ્પીડથી પ્રતિ કલાક 10 માઈલથી વધારે સ્પીડે વાહન ચલાવે તો 45 ડોલરનો દંડ થાય છે અને 15 દિવસ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

મોટા ભાગના કિસ્સામાં હાઈવે પોલીસ પહેલાં દંડ ફટકારીને જવા દે છે પણ કેટલાક કિસ્સામાં જેલ પણ થાય છે. જેમ જેમ નક્કી કરેલી મર્યાદાથી સ્પીડ વધતી જાય તેમ તેમ દંડ અને જેલની સજા વધતી જાય છે. યુરોપના મોટા ભાગના દેશોમાં આવા જ કાયદા છે અને ભારતમાં પણ આવા કાયદાની જરૂર છે. ઓવર સ્પીડિંગ દ્વારા કોઈનું મોત નિપજાવવાના કેસમાં અપરાધ બિન જામીનપાત્ર કરવો જોઈએ એવું પણ કાનૂની નિષ્ણાતો માને છે. તેમનું માનવું છે કે, આવા કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ત્રણ મહિનામાં તેનો ચુકાદો આવી જાય એવો કાનૂની સુધારો કરવો જોઈએ. ઓવર સ્પીડિંગ દ્વારા કોઈનું મોત નિપજાવવાના કેસમાં પોલીસ તપાસની કે બીજા પુરાવાની જરૂર નથી હોતી તેથી ઝડપથી સજા કરાવવી શક્ય છે. યુએસ સહિતના દેશોમાં ઓવર સ્પીડિંગથી મોતના કેસમાં 15 વર્ષથી વધારે સજા થાય છે. ભારતમાં પણ એવો કાયદો બનાવવો જોઈએ એવું કાનૂની નિષ્ણાતો માને છે. ભારતમાં ચમત્કાર વિના નમસ્કાર નથી ને લોકો દંડા વિના માનતા નથી એ જોતાં આ ઉપાય ચોક્કસ કારગર સાબિત થાય.