November 5, 2024

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ વચ્ચે PM મોદીએ ઈઝરાયેલને ‘રોશ હશનાહ’ નિમિત્તે શુભેચ્છા પાઠવી

PM Narendra Modi wishes Israel: PM નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂને યહૂદી નવા વર્ષ ‘રોશ હશનાહ’ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ અવસર પર PM મોદીએ નેતન્યાહુ અને ઈઝરાયેલના લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાના અભિનંદન સંદેશમાં પીએમ મોદીએ યહુદી ધર્મની પ્રાચીન ભાષા હિબ્રુ અને અંગ્રેજીમાં સંદેશ લખ્યો હતો. મોદીએ લખ્યું કે, ‘યહુદીઓના નવા વર્ષ રોશ હશનાહના અવસર પર મારા મિત્ર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઈઝરાયેલના લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ. હું ઇઝરાયેલના તમામ લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. શના તોવા.’

યહૂદી નવું વર્ષ: રોશ હશનાહ શું છે?
રોશ હશનાહ એ યહૂદી નવું વર્ષ છે અને યહૂદી કેલેન્ડરમાં તિશ્રી મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવે છે. આ તહેવાર યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ, પ્રાર્થના અને વધુ સારા ભવિષ્યની શરૂઆત દર્શાવે છે. તે “સૃષ્ટિ દિવસ” તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાને આ દિવસે વિશ્વની રચના કરી હતી.

રોશ હશનાહ બે દિવસ માટે ઉજવવામાં આવે છે અને ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓથી ભરપૂર છે. આ સમય દરમિયાન વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને શોફર (એક પ્રકારનું શીંગ) વગાડવામાં આવે છે, જે આત્મ જાગૃતિ અને આધ્યાત્મિક શુદ્ધિકરણનું પ્રતીક છે. આ દિવસ યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ કરવાની, પાછલા વર્ષની ભૂલો પર ચિંતન કરવાની અને આવતા વર્ષ માટે નવા સંકલ્પો કરવાની તક છે.

રોશ હશનાહ દરમિયાન લોકો મીઠાઈઓ ખાય છે, જેમ કે મધમાં ડૂબેલા સફરજન, મીઠા અને સુખદ વર્ષની ઇચ્છાનું પ્રતીક છે. ઉપરાંત, યહૂદી સમુદાયના લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે, જેમ કે “શના તોવા,” જેનો અર્થ થાય છે “સારા વર્ષ માટે શુભકામનાઓ.” આમ, રોશ હશનાહ યહૂદી સંસ્કૃતિ અને ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે નવી શરૂઆત, સ્વ-શુદ્ધિ અને વધુ સારા ભવિષ્યની ઇચ્છા સાથે સંકળાયેલ છે.

ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી
આ શુભકામનાઓ એવા સમયે આવી છે જ્યારે ઈઝરાયેલ ત્રણ મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. મંગળવારે, ઈરાને ઈઝરાયેલ પર ઓછામાં ઓછી 200 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા ઘણા રોકેટોનો નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલીક મિસાઇલો ઇઝરાયેલના મધ્ય અને દક્ષિણ ભાગોમાં પડી હતી. આ હુમલાઓ દરમિયાન નાગરિકોએ બોમ્બ આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો હતો અને રાત્રિના આકાશમાં મિસાઇલોના ઝબકારા જોવા મળ્યા હતા.

જો કે, ઇઝરાયેલે જણાવ્યું હતું કે હુમલામાં માત્ર નાની ઇજાઓ થઇ હતી, પરંતુ કબજા હેઠળના પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટિનિયન વ્યક્તિનું શ્રાપનલ પડી જવાથી મૃત્યુ થયું હતું. ઈઝરાયેલે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાનું વચન આપ્યું છે. આ તંગ પરિસ્થિતિ વચ્ચે પીએમ મોદીની શુભકામનાઓ શાંતિ અને સ્થિરતા માટે તેમનું સમર્થન દર્શાવે છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે મજબૂત રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો છે અને બંને દેશો સંરક્ષણ, કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે.