October 5, 2024

એરફોર્સનું હેલિકોપ્ટરને મુઝફ્ફરપુરમાં પૂરના પાણીમાં કરવું પડ્યું લેન્ડિંગ

Indian Air Force Helicopter: બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા જઈ રહેલું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટરને પાણીમાં હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું હતું.  જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના તૂટેલી બ્લેડને કારણે થઈ છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

પ્રારંભિક માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાનું આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ વિસ્તારમાં રાહત સામગ્રી પહોંચાડવાનું કામ કરી રહ્યું હતું અને સવારથી જ ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યું હતું. થોડા સમય પહેલા આ હેલિકોપ્ટરના એક બ્લેડમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવી ગયો હતો, ત્યારબાદ આ હેલિકોપ્ટરને હાર્ડ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

હેલિકોપ્ટરમાં 3 અધિકારીઓ હાજર હતા
હેલિકોપ્ટર પાણીમાં ઉતર્યા બાદ ત્યાં હાજર સ્થાનિક લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને હેલિકોપ્ટરમાં હાજર એરફોર્સના ત્રણ અધિકારીઓને બચાવી બોટની મદદથી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. તે જ સમયે, આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એરફોર્સનું હેલિકોપ્ટર પાણીમાં અડધું ડૂબી ગયું છે. જેમાંથી સ્થાનિક લોકો રાહત સામગ્રી બહાર કાઢી રહ્યા છે.

દરભંગા યુનિટથી ઓફિસર રવાના
કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓની એક ટીમ દરભંગા એર બેઝ યુનિટથી મુઝફ્ફરપુર માટે રવાના થઈ ગઈ છે. થોડા સમય બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચશે અને ત્યાર બાદ જ આ ઘટના કેવી રીતે અને શા માટે બની તે સ્પષ્ટ થશે.

એરફોર્સે શું કહ્યું?
ભારતીય વાયુસેનાએ પણ બિહારમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે માહિતી આપી છે. એરફોર્સે કહ્યું છે કે બિહારના સીતામઢી સેક્ટરમાં પૂર રાહત કામગીરી દરમિયાન એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં બે પાઈલટ સહિત ત્રણ કર્મચારીઓ સવાર હતા, જેઓ સુરક્ષિત છે. વાયુસેનાએ કહ્યું છે કે આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.