May 18, 2024

પીએમ નરેન્દ્ર મોદીએ વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું

અમદાવાદ: પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ની ગોલ્ડન જયુબિલીની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત હસ્તીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.

અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને તે માટે સરકાર તમામ સહયોગ આપશે, મોદીની ગેરંટી છે
પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેશનને તેની સુવર્ણ જયંતી પર શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે , 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે. વધુમાં પીએમએ જણાવ્યું હતું કે આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, અમૂલ જેવું કોઈ નહીં. આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખાણ બની ગયું છે. અમૂલ અને શ્વેતક્રાંતિની સફળતાની વાત કરતાં દેશના પશુધનના યોગદાનને યાદ કરીને પીએમ મોદીએ પશુધનની વંદના કરી હતી.

અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ: પીએમ મોદી
અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે લોકભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ. વધુમાં પીએમએ કહ્યું કે અમૂલનો પાયો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નંખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઇ અને ક્રમશઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે. GCMMF અને અમૂલે સાધેલા વિકાસ અંગે વધુમાં વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા નિર્ણયો કેવી રીતે આવનારી પેઢીનું ભાગ્ય બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે.

નારીશક્તિના સશક્તીકરણ પર ભાર મૂક્યો
પીએમ મોદીએ સંબોધનમાં અમૂલના વિકાસમાં મહિલા શક્તિના યોગદાન વિશે વાત કરી,જેમાં પીએમએ કહ્યું કે આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિના કારણે છે. આજે જ્યારે ભારત ‘વિમેન લેડ ડેવલોપમેન્ટ’(Women led development)ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેકટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે. નારીશક્તિના સશક્તીકરણ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું દેશને વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા આર્થિક રીતે સશકત બને તે જરૂરી છે. એટલે જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં આવી રહી છે.

ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ: PM મોદી
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોનું જીવન કેવી રીતે સારું બને તે હંમેશાંથી અમારો લક્ષ્યાંક રહ્યો છે. પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધે, પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, ગામોમાં પશુપાલનની સાથે માછલીપાલન અને મધમાખી પાલનને કેવી રીતે પ્રોત્સાહન આપવું એ દિશામાં અમે સતત પ્રયાસરત છીએ. અમે ગ્રામીણ ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ. નાના ખેડૂતોના સશક્તીકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારી સરકાર અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની સાથે સાથે ઉર્વરકદાતા (ખાતરદાતા) બનાવવા પર ભાર મૂકી રહી છે.