May 17, 2024

50 વર્ષ પહેલા ગુજરાતમાં રોપા વાવ્યા હતા તે આજે વિશાળ વટવૃક્ષ બન્યા: પીએમ મોદી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી પોતાના પ્રવાસમાં રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના રૂપિયા 44 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા છે. જ્યાં સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ હાજર રહ્યા છે.

  • અમૃત સરોવર અનેક રીતે ઉપયોગી નિવડશે
  • 2030 સુધીમાં પશુઓની બિમારી પર નિયત્રંણ લવાશે
  • ગોબરધન યોજના હેઠળ પશુપાલકો પાસેથી છાણ ખરીદશે
  • ડેરી સેક્ટરમાં 70 ટકા મહિલાઓ જોડાઈ – મોદી
  • નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ સશક્તિકરણ – મોદી

પીએમ મોદીએ મહિલા શક્તિ અંગે જણાવતા કહ્યુ કે, ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ સ્ત્રી શક્તિ છે. અમૂલ આજે સફળતાના જે શિખરે છે તે માત્ર મહિલા શક્તિના કારણે છે. આજે જ્યારે ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતના ડેરી ક્ષેત્રની આ સફળતા તેના માટે મોટી પ્રેરણા છે.

નોંધનીય છે કે, સહકાર સંમેલનમાં પીએમ મોદી 1200 કરોડના પાંચ નવા પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કર્યુ છે. જેમાં ચીઝ, આઈસ્ક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભારતની આઝાદી પછી, દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી, પરંતુ અમૂલ જેવી કોઈ નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતિક બની ગયું છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને સિદ્ધિઓ.

પીએમ મોદીએ જણાવ્યુ કે 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ.

મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ
હવે દેશમાં મહિલાઓને પણ ડ્રોન ઉડાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મહિલાઓને 15,000 આધુનિક ડ્રોન આપવામાં આવી રહ્યા છે. ડેરી સેક્ટર 6 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવી મહત્વપૂર્ણ છે.

ડેરી ઉદ્યોગમાં 11 લાખ મહિલાઓ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યમાં દૂધ નિગમની સંખ્યા 12 થી બમણી થઈને 23 થઈ ગઈ છે. ડેરી ઉદ્યોગ સાથે 36 લાખથી વધુ લોકો સંકળાયેલા છે, જેમાં 11 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. 16,384 દૂધ ગૃહોમાંથી 3300 સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ મહિલાઓ તેમના પરિવાર માટે આર્થિક આધાર બની છે. ડેરી ઉદ્યોગે દેશને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મોટો ફાળો આપ્યો છે.