May 18, 2024

દેશના અમૃતકાળમાં ‘સહકારથી સમૃદ્ધિ’ દ્વારા રામરાજ્યની મોદીની ગેરંટી: CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ની ગોલ્ડન જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહ્યાં હતા. રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જયુબિલી ઉજવણી પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘સહકારથી સમૃદ્ધિ’નો ધ્યેય ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે. આજનો આ અવસર મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ છે કે આજથી એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ વડાપ્રધાનશ્રીના હસ્તે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનો અવસર ઊજવાયો હતો, આવો જ ઉમંગ અને ઉત્સાહનો માહોલ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં જોવા મળી રહ્યો છે. વધુમાં સીએમએ ઉમેર્યું કે દેશના અમૃતકાળમાં ‘સહકારથી સમૃદ્ધિ’ દ્વારા રામરાજ્યની મોદીની ગેરંટી છે.

સહકારી ક્ષેત્રની તાકાત પ્રભાવશાળી
સીએમએ વધુમાં કહ્યું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૃતકાળમાં પોતાનો સુવર્ણ જયંતી મહોત્સવ મનાવી રહ્યું છે, એ સુભગ સંયોગ પણ છે. એટલું જ નહીં, સહકારી ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે, એ આજનો અવસર દર્શાવે છે. આઝાદીના આદોલનમાં અંગ્રેજો સામેની અસહકારની લડતની આગેવાની ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી. હવે તેવી જ રીતે ગુજરાતના બે પનોતા પુત્ર પીએમ નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહની જોડીએ સહકારથી સમૃદ્ધિનું મિશન આપ્યું છે. આઝાદીના દાયકાઓ બાદ પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર સહકાર મંત્રાલય કાર્યરત થયું છે. વધુમાં સીએમએ કહ્યું કૃષિ, પશુપાલન, ગ્રામ ઉત્થાનના સર્મસમાવેશી પેટર્નને પીએમ મોદીએ વિકસાવી છે.

ગુજરાતની ડેરી-સહકારી મોડલરૂપ બની 
ગુજરાતના સહકારી મોડલની વાત કરતા સીએમએ કહ્યું કે, ગુજરાતની ડેરી-સહકારી ચળવળો મોડલરૂપ બની છે. વર્ષ 1946માં 15 ગામડાઓમાં નાની-નાની ડેરીના સભાસદથી શરૂ થયેલી એ ચળવળો આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત 36 લાખ દૂધ ઉત્પાદકો સાથે સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે. વધુમાં સીએમએ કહ્યું દૂધના વેપારમાંથી જે લાભ મળે એ દરેક ઉત્પાદકોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્ત્વ દૂર થાય તેમજ વ્યાપક ફલક પર વિકાસ થાય એ માટે ‘સૌના સાથ, સૌના વિકાસ’ના ધ્યેય સાથે 1973માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું અને આજે રાજ્યના દરેક જિલ્લાના દૂઘ ઉત્પાદન સંગઠનો તેના સભ્યો છે. આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ સાથે સમગ્ર સ્ટેડિયમમાં ચક્કર લગાવીને ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો અને સહકારી અગ્રણીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

3300 જેટલી મંડળીઓનો કારોબાર મહિલાઓ સંભાળે 
પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અને ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદક સંગઠનોની સંખ્યા બમણી એટલે કે 12થી વધીને 23 થઇ છે. 36 લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને એમાંય 11 લાખ જેટલી નારીશક્તિ છે. સમગ્ર ગુજરાતમાં 16,384 દૂધ મંડળીઓમાંથી 3300 જેટલી મંડળીઓનો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. જેમાં લાખો રૂપિયાની આવક આ નારી શક્તિ મેળવી રહી છે.

‘માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ’
સહકારી ક્ષેત્રની વાત કરતા સીએમએ કહ્યું કે, આપણે ત્યાં પુશપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય પણ બની રહ્યો છે, દેશને વિશ્વની સૌથી મોટી પાંચમી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક – સહકારી ક્ષેત્રએ પણ મોટું યોગદાન આપ્યું છે. ‘માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ’ એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. દૂધ ઉત્પાદકોને દરરોજનું રૂપિયા 150 કરોડથી વધુનું પેમેન્ટ ડીબીટીથી કરીને વડાપ્રધાનની ડિજિટલ ભારતની નેમ સાકાર થઇ રહી છે.સીએમએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશના અમૃત કાળ માં ભારતનું દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્ર વધુ ઉન્નત બની વિશ્વ ખ્યાતિ હાંસલ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.