May 9, 2024

નવાઝ કે ઇમરાન… પાકિસ્તાનમાં કોની બનશે સરકાર?

Pakistan General Election Results who will be the next prime minister nawaz sharif or imran khan

ડાબે ઇમરાન ખાન અને જમણે નવાઝ શરીફ - ફાઇલ તસવીર

Pakistan General Election 2024 Results: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તેની મોટાભાગની સીટના રિઝલ્ટ આવી ગયા છે. પાકિસ્તાનમાં કેટલીક સીટ પર મતગણતરી હજુ ચાલુ છે. પરંતુ રાજકીય તસવીર મોટેભાગે સામે આવી ગઈ છે. જેમાં ઇમરાન ખાનનો જાદુ જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ સીટ જીતી છે. પરંતુ પાર્ટીની રીતે જોવા જઇએ તો નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. ભલે જનતાએ ઇમરાન ખાન સમર્થિત ઉમેદવારોને પહેલી પસંદ બનાવ્યા હોય, પરંતુ સરકાર બનાવવાના રસ્તે નવાઝ શરીફ આગળ ચાલી રહ્યા છે.

નવાઝે સરકાર બનાવવા માટે દાવો કર્યો
પાકિસ્તાન જનરલ ઇલેક્શનમાં શરીફની પાર્ટી પીએમએલ-એન સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે ત્યારે નવાઝે ગઠબંધનની સરકાર બનાવવાની જાહેરાત કરી નાંખી છે. તેથી તેમણે અન્ય પક્ષ સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના લાહોર સ્થિત કેન્દ્રીય સચિવાલયમાં પાર્ટી સમર્થકોને સંબોધિત કરતા 74 વર્ષીય નવાઝ શરીફે કહ્યુ કે, તેમની પાર્ટી ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ દ્વારા સમર્થિત સ્વતંત્ર ઉમેદવારોની જીત સહિતના તમામ પક્ષના જનાદેશનું સન્માન કરે છે. કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાનો સ્વભાવ બદલીને નવાઝ શરીફે શુક્રવારે કહ્યુ કે, પાકિસ્તાનને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે તમામ રાજનૈતિક પક્ષો એકસાથે બેસીને સરકાર બનાવે તે જરૂરી છે.

કોને કેટલી સીટ મળી?
ચૂંટણી આયોગે અત્યાર સુધીમાં 265માંથી 224 બેઠક પરનું પરિણામ જાહેર કર્યું છે. ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 92 સીટ જીતી છે, જ્યારે નવાઝ શરીફની પીએમએલ-એન પાર્ટીને 63 અને બિલાવલ ભુટ્ટોની પીપીપીને 50 સીટ મળી છે. આ સિવાય નાની પાર્ટીઓને 19 સીટ મળી છે. પાકિસ્તાન ચૂંટણીમાં બેટ વગરના સિમ્બોલની ઇમરાન ખાન સમર્થિત પાર્ટીના અપક્ષ ઉમેદવારોએ 92 સીટ જીતીને બધાને ચોંકાવી દીધા છે.

પાકિસ્તાનમાં વડાપ્રધાન કોણ બનશે?
ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા 74 વર્ષીય નવાઝ શરીફ ફરી એકવાર પ્રધાનમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ છે. તેના બે કારણ છે. એક તો નવાઝ શરીફની પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને બીજું કારણ એ છે કે, તેમને પાકિસ્તાની સેનાનું પૂરેપૂરું સમર્થન મળેલું છે. પાકિસ્તાની સેના પણ નવાઝ શરીફને જ વડાપ્રધાન પદે જોવા માગે છે. આ જ કારણ છે કે, ઇમરાન ખાનને જેલમાં બંધ રાખવામાં આવ્યો છે. કારણ કે, બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીની સીટે નવાઝથી ઘણી ઓછી છે, એવામાં તેમના વડાપ્રધાન બનવાની શક્યતા નથી. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈને અયોગ્ય ઠરાવી દીધી છે અને તેના સિમ્બોલની પણ છીનવી લેવામાં આવ્યો છે. એવામાં ઇમરાન ખાનનું વડાપ્રધાન બનવું શક્ય લાગતું નથી.

કેવી રીતે સરકાર બનાવશે?
નવાઝ શરીફે નાના ભાઈ અને પીએમએલ-એન અધ્યક્ષ શહબાઝ શરીફને ગઠબંધનની સરકાર બનાવવા માટે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારી, જમિયત ઉલેમા-એ-ઇસ્લામના પ્રમુખ ફઝલુર રહમાન અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટના ખાલિદ મકબૂલ સિદ્દીકી સાથે વાટાઘાટ કરવાનું કામ સોંપ્યું છે. પીપીપીના સહ-અધ્યક્ષ ઝરદારી લાહોર પહોંચી ગયા છે અને સરકાર બનાવવા સંબંધે પીએમએલ-એનના નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે છે. એપ્રિલ 2022માં ઇમરાન ખાનના હટ્યા પછી પીએમએલ-એનના નેતૃત્વવાળી ગઠબંધનની સરકાર 16 મહિના સુધી સત્તામાં રહી હતી.

બહુમતી માટે કેટલી સીટો જોઈએ?
પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં 265માંથી 133 સીટ જીતવી પડે છે. એક ઉમેદવારની મોત પછી એક સીટ પર ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. બહુમતી મેળવવા માટે 336માંથી 169 સીટ પર જીતની જરૂર હોય છે, તેમાં મહિલાઓ અને લઘુમતી માટે અનામત રાખેલી સીટનો પણ સમાવેશ થાય છે.