December 24, 2024

ઇમરાન ખાનનો સનસનીખેજ દાવો, પત્ની બુશરાને જમવામાં ટોયલેટ ક્લીનર…

ઈસ્લામાબાદ: ઇમરાન ખાન ઘણી વખત આરોપ લગાવી ચૂક્યા છે કે તેમની પત્ની બુશરા સાથે ન થવાનું થઇ શકે છે. આ વચ્ચે હવે જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેની પત્ની બુશરાને તેના ભોજનમાં ટોઈલેટ ક્લીનર ભેળવવામાં આવ્યું હતું. ઈમરાન ખાને કોર્ટ સમક્ષ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બુશરાને ટોયલેટ ક્લીનર મિશ્રિત ખોરાક આપવામાં આવી રહ્યો છે. આ ખોરાકને કારણે તેમને પેટમાં બળતરા અને અન્ય સમસ્યાઓ થવા લાગી અને તેમની તબિયત સતત બગડતી રહી છે. ઈમરાન ખાને આ વાત જજ નાસિર જાવેદ રાણાની કોર્ટમાં કહી છે.

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન વિરુદ્ધ ઘણા કેસ પેન્ડિંગ છે. હાલમાં તે રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ઈમરાનની પત્ની બુશરા બીબી સામે પણ તોશાખાનાનો કેસ ચાલી રહ્યો છે. બુશરા બીબીને નજરકેદ કરવા માટે તેના ઘરને સબ-જેલમાં ફેરવી દેવામાં આવ્યું હતું. 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે પત્નીને બગડેલું ભોજન આપવાની વાત કરી છે.

કોર્ટે પસંદગીના ડૉક્ટર દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો
ઈમરાન ખાને કહ્યું કે શૌકત ખાનમ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અસીમ યુસુફે બુશરા બીબીના ટેસ્ટ શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં કરાવવા માટે કહ્યું હતું. ઈમરાને કહ્યું કે જેલ પ્રશાસન પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ટેસ્ટ કરાવવા પર અડગ છે. આ પછી કોર્ટે ડૉ.યુસુફને ઈમરાન ખાન અને બુશરા બીબીની મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ 15 એપ્રિલના રોજ બુશરા બીબીએ ઇસ્લામાબાદ હાઇકોર્ટને વિનંતી કરી હતી કે તેણીની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં તેણીની તબીબી તપાસની મંજૂરી આપવામાં આવે. તેણી એ જાણવા માંગતી હતી કે શું તેને જેલ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતા ખોરાક દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. બુશરા બીબીએ દાવો કર્યો હતો કે તે હાર્ટબર્ન અને ગળા અને મોંમાં દુખાવોથી પીડાઈ રહી હતી. બુશરા બીબીને ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવતા ઈમરાન ખાને તાજેતરમાં કહ્યું હતું કે જો બુશરા બીબીને કંઈ થશે તો તેના માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સીધા જ જવાબદાર હશે.

ઈમરાન ખાન જેલમાં ગયા પછી, તેમની પાર્ટી પીટીઆઈના નેતાઓએ ઘણી વખત તેમની અને બુશરાની સાથે કંઈક અનિચ્છનીય બનવાનો ભય વ્યક્ત કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પીટીઆઈની મહિલા પાંખના પ્રમુખ કંવલ શૌજાબે કહ્યું હતું કે બુશરા તેમને આપવામાં આવતા હાનિકારક અને નબળા ખોરાકને કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહી છે. આવી સ્થિતિમાં બાની ગાલામાં નજરકેદ બુશરાના જીવન અને સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો છે.