May 3, 2024

હુમલા પાછળ ઇઝરાયલ હોવાનો પુરાવો નથી, તપાસમાં કંઈક મળ્યું તો નહીં છોડીએઃ ઇરાની વિદેશ મંત્રી

તહેરાનઃ ઈરાનના વિદેશ મંત્રીએ શુક્રવારે કહ્યું કે, ઈરાન પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે, આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ છે. ઈરાનના વિદેશ મંત્રીએ ધમકી આપી હતી કે, જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ઈરાન તાત્કાલિક અને યોગ્ય જવાબ આપશે. ત્યારે ઇઝરાયલ દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

શુક્રવારે ઈરાનમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો
શુક્રવારે ઈરાનના શહેર ઈસ્ફહાનમાં થયેલા હુમલાના સમાચાર મીડિયા પર છવાયેલા હતા. હવે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાદોલ્લાહિયાને આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, ‘કેટલાક ડ્રોન ઈરાનની અંદરથી ઉડાડવામાં આવ્યા હતા, જેને થોડા મીટર ઉડાન ભર્યા બાદ જ તોડી પાડવામાં આવ્યા હતા. તે ડ્રોન બાળકોના રમકડાં જેવા હતા, જેની સાથે અમારા બાળકો રમે છે.’

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, હજુ સુધી એ સાબિત નથી થયું કે આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ હતો. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં જે કહેવામાં આવી રહ્યું છે તે સાચું નથી. ઈરાનમાં શુક્રવારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે, એર ડિફેન્સ સિસ્ટમે ત્રણ ડ્રોનને નિશાન બનાવ્યા હતા, જેના કારણે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક આતંકવાદીઓએ આ ડ્રોન ઉડાવ્યા હશે.

ઈરાનની ઈઝરાયલને ધમકી
ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયલને ધમકી આપતા કહ્યું કે, ‘જો ઈઝરાયલ ફરી કોઈ ભૂલ કરશે અથવા એવું કંઈક કરશે જે ઈરાનના હિતમાં નથી તો અમે જડબાતોડ જવાબ આપીશું.’ શુક્રવારે ઈરાનના કોઈપણ વ્યૂહાત્મક લક્ષ્ય પર કોઈ હુમલાની કોઈ માહિતી નથી અને ન તો ઈરાનને કોઈ નુકસાન થયું છે. ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. અમેરિકાએ પણ કોઈપણ હુમલામાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે.