December 12, 2024

“ગુજરાત બીજેપીનું સંગઠન પર્વ”

જયેશ ચૌહાણ , અમદાવાદ: બીજેપી દ્વારા સંગઠન પર્વની જાહેરાત કરવામાં આવી હતી અને ગુજરાતમાં નવા સંગઠનની જાહેરાત પહેલા સંગઠન પર્વની કામગીરી પુરજોશમાં ચાલી રહીં છે. પ્રથમ તબક્કામાં બીજેપીના સભ્યો બનાવ્યા બાદ 100 સભ્યો બનાવનાર સભ્યને સક્રિય સભ્ય બનાવવામાં આવી રહ્યાં છે અને ત્યારબાદ બુથ સમિતી, વોર્ડ પ્રમુખ, મંડલ પ્રમુખ અને ત્યારબાદ તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિમણૂંક માટે કામગીરી હાથ ધરાશે.

સંગઠન પર્વને લઇ ગુજરાત બીજેપીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં બુથ સમિતીઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં દોઢ કરોડથી વધુ સભ્યો અત્યાર સુધીમાં બની ચૂક્યા છે જ્યારે દોઢ લાખથી વધુ સક્રીય સભ્યો બની ચૂક્યા છે. હાલ સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતમાં 52 હજાર જેટલી બુથ સમિતીઓ બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને વોર્ડ અધ્યક્ષ માટે ઉમેદવારી પત્રો પણ મંગાવી લેવામાં આવ્યા છે.

  • મંડલની સંરચના
    બીજેપીના સંગઠન પર્વમાં બુથ સમિતી બાદ વોર્ડ અને મંડલની રચના માટે કામગીરી કરવામાં આવે છે ત્યારે બુથ સમિતીની કામગીરી પૂર્ણ થતા વોર્ડ અધ્યક્ષ માટે ઉમેદવારી પત્રો મંગાવવામાં આવ્યા હતા પરંતુ મંડલની રચનાને લઇ અચાનક જ કામગીરી મોકૂફ રાખવાની જાહેરાત મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ દ્વારા કરવામાં આવી હતી જેના બાદમાં અનેક ચર્ચાઓ પણ થઇ રહીં હતી પરંતુ હવે આ સમગ્ર મામલો ઉકેલાઇ ગયો છે અને મંડલ રચના માટે કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધી સરેરાશ 100 બુથ પર 1 મંડલની રચના કરવામાં આવતી હતી, પરંતુ હવે મંડલની સંરચનાનો નિર્ણય કરાતા હવે 60થી 70 બુથ પર 1 મંડલની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • ‘મંડલની સંરચના માટે કેન્દ્રીય નેતૃત્વએ હામી ભરી’
    ગુજરાત પ્રદેશના નેતાઓએ સરકારની સારી યોજનાઓ અને કામો સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય અને મંડલ પ્રમુખ પણ બુથના પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં રહી શકે એ માટે મંડલની સંરચના માટે ભલામણ કરી હતી જેને પગલે 2-3 દિવસ મંડલ રચનાની કામગીરી બંધ રાખવામાં આવી હતી. અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ 100 બુથોનું 1 મંડલ બનતું હતુ, પરંતુ સંરચના થતા હવે સરેરાશ 70 બુથોનું એક મંડલ અને મંડલ પ્રમુખ બનાવવામાં આવશે. હાલની સ્થિતીએ ગુજરાતમાં 580 મંડલ આવેલા છે, ત્યારે હવે સંરચના થતા રાજ્યમાં 700થી વધુ મંડલની રચના થશે. આવતીકાલ એટલે કે 12 ડિસેમ્બરથી મંડલ રચના માટે કામગીરી શરૂ કરી દેવા પણ સૂચના આપવામાં આવી છે. 25 ડિસેમ્બરની આસપાસ બુથ અને મંડલની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.
  • ‘અમદાવાદ અને સુરતને બાદ કરતા તમામ જગ્યાએ કામગીરી થશે’
    સંગઠન પર્વની કામગીરીની માહિતી આપતા પ્રદેશ બીજેપીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે જણાવે છે કે, આવતીકાલથી રાજ્યમાં મંડલની કામગીરી માટે નિરીક્ષકો જિલ્લાઓમાં જશે, પરંતુ હાલ અમદાવાદ અને સુરતમાં મંડલની કામગીરી નહીં કરવામાં આવે કેમ કે, આ 2 મહાનગરમાં અનેક વોર્ડ આવેલા છે અને હવે આ 2 મહાનગરમાં વોર્ડની સંરચના કરવામાં આવશે. મોટા વોર્ડ આવેલા છે ત્યા સંરચનાની કામગીરી કરવામાં આવી રહીં છે. એ વોર્ડની સંરચના પૂ્ર્ણ થયા બાદ મંડલ રચનાની કામગીરી હાથ ધરવામાં આવશે. હવેની વ્યવસ્થાઓ પ્રમાણે વોર્ડની સંરચના થવાની હોવાથી વોર્ડના નંબર બદલાશે અને વોર્ડના નંબરના બદલે વોર્ડના નામ આપવાની પણ કવાયત ચાલી રહીં છે.
  • ‘કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલાને સ્થાન મળશે’
    ગુજરાત પ્રદેશ બીજેપીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, કોંગ્રેસમાંથી કે અન્ય રાજકીય પક્ષમાંથી આવેલા નેતા-કાર્યકર્તાઓને સંગઠનમાં જવાબદારી નહીં મળે તો એ વાત ખોટી છે. કોંગ્રેસ કે અન્ય કોઇ પણ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટી અને તેની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓને પણ સંગઠનમાં સ્થાન આપવામાં આવશે, કેમ કે તેઓ હવે બીજેપીની વિચારધારા અને પીએમ મોદીની કામગીરીથી પ્રભાવિત થઇને જોડાયા છે, તેથી કામ કરવા માગતા બીજેપીના કાર્યકર્તાઓ સાથે સાથે અન્ય પક્ષમાંથી બીજેપીમાં આવેલા કાર્યકર્તાઓને પણ સંગઠનમાં જગ્યા આપવામાં આવશે.