માંગરોળ સગીરા દુષ્કર્મ મામલે બે આરોપીની ધરપકડ, એક આરોપીના મોતથી ખળભળાટ
અમિત રૂપાપરા સુરત: માંગરોળના બોરસરા ગામે આઠ ઓક્ટોબરના રોજ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે અને વોન્ટેડ આરોપીને પકડવા અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવે છે. 300 પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓના સ્ટાફ દ્વારા સતત મહેનત કરીને તડકેશ્વર નજીકથી બે ઈસમને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને ઇસમોમાં મુન્ના પાસવાન અને શિવ શંકરનો સમાવેશ થાય છે. આ બંને અગાઉ પણ પોલીસના હાથે અલગ અલગ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે. તો અન્ય ત્રીજા આરોપી રાજુને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ઘટનામાં ગંભીરતાથી તપાસ થાય તે હેતુથી DYSP તેમજ 6 PIની SITની રચના કરવામાં આવી છે.
તો બીજી તરફ આરોપી શિવ શંકરની તબિયત એકાએક જ લથડતા તેને સારવાર માટે સ્થાનિક કામરેજની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલમાં લાવતા આરોપીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આરોપીના મોતનું સાચું કારણ જાણવા માટે તેના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
સુરતમાં 8 ઓક્ટોબરના રોજ માંગરોળના બોરસરા ગામે એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સગીરા રાત્રીના સમયે પોતાના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્રણ નરાધમોએ સગીરા અને તેના મિત્ર પાસે બાઈક ઉભો રાખી સગીરા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણ નરાધમોએ સાથે મળી સગીરાના મિત્રના કપડા ઉતારી ફોટો પાડી લીધા હતા. ત્યારબાદ સગીરા અને તેનો મિત્ર બચવા માટે ભાગી રહ્યા હતા. ત્યારે ખેતરમાં સગીરા અને તેનો મિત્ર અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા હતા અને તે સમયે ખેતરમાં સગીરા પડી જતા સગીરાને પકડીને શેરડીના ખેતરમાં લઈ ગયા. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યુ. ત્યારબાદ સગીરાનો મિત્ર કેટલાક લોકોને સાથે લઈ ઘટના સ્થળ પર પહોંચતા ત્રણેય નરાધમો પોતાનું વાહન મૂકી ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા અને પોલીસને માહિતી આપવામાં આવી હતી.
સ્થાનિક કોસંબા પોલીસની સાથે ગ્રામ્ય એસઓજી, એલસીબી, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી અને મોડી રાત્રે 300 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓના સ્ટાફ દ્વારા તપાસ કરાતા સામે આવ્યું હતું કે, જે બાઈક ઘટના સ્થળ પરથી મળ્યું છે તે 2005માં રજીસ્ટર થયેલું છે. ત્યારબાદ આ બાઈકના મૂળ માલિક સુધી પહોંચવા માટે પોલીસે કામગીરી શરૂ કરી. પોલીસની તપાસમાં કામે આવ્યું કે આ બાઈક ચારથી પાંચ લોકોને વેચવામાં આવ્યું છે અને છેલ્લો માલિક તનવીર છે. ત્યારે પોલીસે તનવીરની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે રાજુ નામનો બાઇક લઈને ગયો હતો.
ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી. આરોપી જે-જે જગ્યા પરથી ભાગી શકે તે તમામ સ્થળો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી હતી. સીસીટીવી દ્વારા પણ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરી રહી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપી તડકેશ્વર કેનાલ પાસે ફરી રહ્યા છે ત્યારે પોલીસે આ જગ્યા પર જે તપાસ કરતા આરોપી પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. તે સમયે આરોપીને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચના PSI ગોસ્વામી દ્વારા આરોપી મુન્ના પાસવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ઘટના સ્થળ પરથી આરોપી મુન્ના પાસવાન અને શિવ શંકરને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને આરોપી રાજુ સાથે એક જ બાઈક પર ઘટના સ્થળ પર ગયા હતા. રાજુએ પોતાના મિત્ર તનવીર પાસેથી બાઈક લઈને તે પીપોદરા જીઆઇડીસી પોતાના મિત્રને લેવા ગયો હતો અને ત્યારબાદ તેઓ ત્રણેય બાઈક પર જતા હતા, તે સમયે આ સગીરા પોતાના મિત્ર સાથે બેસેલી જોવા મળી હતી અને સગીરાને એકાંત જોતા આ નરા લધમોની વૃત્તિ બદલી હતી અને તેમને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ રાજુ જે ફરાર થયો છે તેને પકડવા પણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, રાજુ 15 દિવસ પહેલા જ ચોરીના ગુનામાં રાજસ્થાની જેલમાંથી જામીન પર છૂટ્યો હતો અને ત્યારબાદ તે સુરત આવ્યો હતો. હાલ તો રાજુના પરિચિત તેમજ મિત્રોને ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો આરોપી મુન્ના પાસવાન વિરુદ્ધ અગાઉ કોસંબા, કડોદરા, પાનોલી, વરનામાં, કરજણ અને અંકલેશ્વર રોરલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાય ચૂક્યા છે. તો આરોપી શિવ શંકર વિરુદ્ધ અમીરગઢ, અંકલેશ્વર, જીઆઇડીસી અને કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
બીજી તરફ કસ્ટડી દરમિયાન આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ સામે આવી હતી. તેથી આરોપીને કામરેજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન આરોપીનું મોત થયું હતું. આ ઘટનાને લઈને નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપીને 108ની મદદથી જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે આરોપીની તબિયત નાજુક હતી અને તેને રસ્તામાં ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં આવતાની સાથે જ આરોપીને સીપીઆર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો પરંતુ તેને વધુ તકલીફ થતા તેનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ આરોપીના મોતનું સાચું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
બીજીતરફ આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી જલ્દીમાં જલ્દી કરી શકાય તે માટે કામરેજના DYSP આર.આર સરવૈયાની અધ્યક્ષતામાં એક SITની રચના કરવામાં આવી છે અને 6 પોલીસ ઇન્સ્પેક્ટરને પણ SITમાં સામેલ કરવામાં આવ્યા છે.