January 7, 2025

રાજીવ દીક્ષિતના જન્મદિન નિમિત્તે જંક ફૂડની જાગૃતિ માટે કૃતિઓ કરાઈ રજૂ

Surat News: વર્તમાન સમયમાં જંક ફૂડનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. તો લોકોની લાઈફ સ્ટાઈલ પણ બદલી રહી છે અને આ લાઈફ સ્ટાઈલ બદલવાના કારણે અનેક રોગ શરીરમાં ઘર પણ કરી ગયા છે. ત્યારે લોકોમાં આ બાબતે જાગૃતિ આવે તે હેતુથી સુરતમાં રાષ્ટ્રીય અસ્મિતા નામથી એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત વર્ષના જ્ઞાન વારસાને ઉજાગર કરતી કેટલીક બાબતો તેમજ બદલતી લાઈફ સ્ટાઈલને લઈને લોકોને જાગૃત કરતી કેટલીક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી.

અલગ અલગ સ્ટોલ મૂકવામાં આવ્યા
જેમનો જીવન મંત્ર સ્વદેશી અપનાવીએ સ્વાધીન બનીએ અને સ્વરાજ પ્રાપ્ત કરીએ તેવો રહ્યો છે તેવા રાજીવ દીક્ષિતના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય અસ્મિતા હેઠળ એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદઘાટન સુરતના દક્ષેશ માવાણીના હસ્તે કરાયું હતું. વર્તમાન સમયમાં લોકોની રહેણી કહેણી ખાણીપીણી બદલાય છે. તેના જ કારણે અનેક રોગ શરીરમાં ઘર કરી ગયા છે. યુવાનો વધુ પ્રમાણમાં જંક ફૂડ ખાઈ રહ્યા છે. તો બીજી તરફ વિદેશી કલ્ચર પણ યુવાનોને વધુ આકર્ષિત કરી રહ્યું છે. ત્યારે યુવાનો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય અભૂતપૂર્વ જ્ઞાનના વારસાને જાણે તે હેતુથી આ પ્રદર્શનમાં અલગ અલગ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભારતમાં પહેલી વખત સુરતની 31 સ્કૂલને વોકેશનલ વિષયના અભ્યાસની પરવાનગી

આ હેતુથી પ્રદર્શનનું આયોજન
પ્રદર્શનમાં લોકોએ સ્વસ્થ રહેવા માટે કેવી આદતો અપનાવી જોઈએ જમવામાં કેવા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જીવનને રાખવા માટે વ્યાયામ કેટલું ઉપયોગી છે તે માટે અલગ અલગ કૃતિઓ પણ લોકો માટે પ્રદર્શનમાં મુકાઈ હતી. તો બીજી તરફ ખાસ કરીને લોકોમાં રાષ્ટ્રપ્રેમ વધે અને લોકો ભારત વર્ષના અભૂતપૂર્વ વારસાનો જ્ઞાન મેળવે અને સ્વદેશી ચીજ વસ્તુના ઉપયોગ તરફ વળે તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.